રાજયમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે અને નવા સ્ટ્રેઇનના કારણે ચારે તરફ લોકોમાં ભય જોવા મળી રહયો છે. સરકારે વિવિધ પ્રતિબંધાત્મક આદેશો જારી કરતાં લોકડાઉનની સંભાવનાઓ જોવાઇ રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ બાદ કોરોનાની મહામારીએ ફરીથી માથુ ઉંચકયું છે. ગત વર્ષે માર્ચ મહિનામાં જે પ્રકારનો માહોલ હતો તેનું એક વર્ષ બાદ પણ પુનરાવર્તન થઇ રહયું હોય તેમ લાગી રહયું છે. જે રીતે ગત માર્ચ મહિનામાં શોપિંગ મોલ, મલ્ટીપ્લેકસ, શાળાઓ, કોલેજો, જીમ અને બાગબગીચાઓ તથા સીટી બસો બંધ હતી તેવું જ આ વર્ષે માર્ચ મહિનામાં થઇ રહયું છે. રાજયના મોટાભાગના લોકો માની રહયાં છે કે, સ્થાનિક સ્વરાજની ચુંટણીઓના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં જે પ્રકારે દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા સરકાર એકશનમાં આવી છે. મહાનગરોમાં મહામારીને રોકવા માટે જયાં ભીડ થતી હોય તેવા સ્થળો બંધ કરાવી દેવાયાં છે. પહેલાં રાત્રિ કરફયુ કે જે રાત્રે 11 વાગ્યે શરૂ થતો હતો તેના બદલે રાત્રે 9 વાગ્યાથી કરફયુનો અમલ કરાવવામાં આવી રહયો છે. સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ સહિતના મહાનગરોમાં શનિવાર અને રવિવાર ના રોજ ભીડ ભેગી ન થાય તે માટે મોલ, મલ્ટીપ્લેકસ અને જીમ બંધ કરાવી દેવાયાં છે. એક તરફ કોરોના કહેર વરસાવી રહયો છે તો રાત્રિ કરફયુ નાના વેપારીઓની કમર તોડી રહયો છે. એક વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે પણ લોકો પણ હવે બિન્દાસ્ત બની ગયાં હોય તેમ લાગી રહયું છે. માસ્ક તથા સોશિયલ ડીસ્ટન્સના નિયમોના ઉલાળીયા થઇ રહયાં છે. સરકાર પણ ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળી હોય તેવો મત લોકો વ્યકત કરી રહયાં છે.
સમગ્ર રાજયમાં જે પ્રકારનો માહોલ ઉભો થયો છે તે જોતા દરેક નાગરિકના મનમાં ફરીથી લોકડાઉન આવશે તેવી આશંકા વર્તાઇ રહી છે. કદાચિત લોકડાઉન આવી જાય અને ગત વર્ષે જે તકલીફો ન પડે તે માટે લોકો આગોતરૂ આયોજન કરી રહયાં છે. બસો તથા ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહયો છે. રાજય સરકારે કોરોના વેકસીનેશન પર ભાર મુકી ઠેર ઠેર કેમ્પ યોજી રહી છે પણ કોરોનાનું સંક્રમણ બમણી ગતિથી વધી રહયું છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, જે રાજયોમાં ચુંટણી નથી તેવા રાજયોમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. હાલના તબકકે રાજયમાં દિવસ દરમિયાન કરફયુની કોઇ શકયતા નથી. લોકોએ કોરોનાથી બચવા માટે ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું પડશે.
કોરોનાના નવા સ્ટ્રેઇનના કારણે દર્દીઓના લક્ષણોમાં પણ બદલાવ જોવા મળી રહયો છે. ખાસ કરીને મહાનગરોમાં કોરોનાથી પીડીત દર્દીઓનો ગ્રાફ ઉંચે જઇ રહયો છે ત્યારે દરેક નાગરિકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે અને એકબીજા સાથે સોશિયલ ડીસ્ટન્સ જાળવી રાખવું પડશે. જરાક પણ બેદરકારી આપણા શરીરમાં કોરોના વાયરસને આમંત્રણ આપી શકે છે.