ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 33 બેઠકો માટે કુલ મતદાન 72.97 ટકા નોંધાયું છે. જ્યારે 9 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ નેત્રંગ 84.12 અને સૌથી ઓછું ભરૂચ 63.36 % રહ્યું છે.જિલ્લાની 4 પાલિકામાં પણ ભરૂચ પાલિકા 63.21 ટકા મતદાન સાથે છેલ્લા ક્રમે જ્યારે આમોદ 81.28 % સાથે પ્રથમ રહી છે.ભરૂચ જિલ્લામાં મંગળવારે જિલ્લા પંચાયતની 33 બેઠક, 9 તાલુકા પંચાયત અને 4 પાલિકાની મતગણતરી 12 સ્થળો ઉપર હાથ ધરવામાં આવનાર છે. જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી 136 ટેબલ ઉપર હાથ ધરાશે.
જ્યારે 4 પાલિકાની મતગણતરીમાં ભરૂચ પાલિકાના 11 વોર્ડ, અંકલેશ્વરના 9 વોર્ડ, જબુસરના 7 અને આમોદ ના 6 વોર્ડની મતગણતરી 30 ટેબલ પર હાથ ધરવામાં આવનાર છે.ગત ચૂંટણી કરતા ભરૂચમાં 10 ટકા અને અંકલેશ્વર પાલિકામાં મતદાનની ટકાવારી 7 ટકા વધી છે. મંગળવારે મતગણતરી ને લઈ ભરૂચ કોલેજ રોડ અને અંકલેશ્વરમાં બે સ્થળોએ વાહન વ્યવહાર પર સવારથી બપોર સુધી પ્રતિબંધ મૂકી ડાયવરઝન આપવામાં આવ્યો છે.
 ભરૂચ તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો અને પાલિકાની મતગણતરી કે.જે.પોલિટેક્નિક કોલેજ ખાતે હાથ ધરનાર છે. એવી જ રીતે અંકલેશ્વર, આમોદ, જંબુસર પાલિકા અને તાલુકા પંચાયત સાથે જિલ્લા પંચાયત બેઠકની મતગણતરી જે તે નગર અને તાલુકા સ્થળે હાથ ધરવામાં આવશે.સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 336 બેઠકો માટે 956 ઉમેદવારોનું ભાવિ મંગળવારે EVM મશીન ખુલવા સાથે નક્કી થશે.