પંજાબના પટિયાલાના ઘુમ્મન નગરમાં ભાડાનું મકાન જોવા ગયેલા કપલ પર પિટબુલ શ્વાને અચાનક જીવલેણ હુમલો કર્યો હતો.CCTVમાં કેદ થયેલી આ ઘટનામાં કપલને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે સ્થાનિક લોકોએ ભારે મહેનત બાદ બંનેને શ્વાનથી બચાવ્યા હતા.

પટિયાલાના ઘુમ્મન નગરમાં ભાડાનું મકાન જોવા ગયેલા કપલ પર એક પાળેલા પિટબુલ શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાની ગંભીર સર્જરી કરવી પડી છે, જ્યારે તેના પતિના શરીર પર અનેક ટાંકા આવ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ મેયરે આક્રમક શ્વાન પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે.

ઈજાગ્રસ્ત દંપતીના જણાવ્યા મુજબ અમે તો માત્ર ભાડાનું મકાન જોવા ગયા હતા, પરંતુ ગેટની કુંડી ખોલતા જ અંદરથી પિટબુલ શ્વાને અમારા પર હુમલો કરી દીધો હતો.મંગળવાર સાંજે પ્રોપર્ટી ડીલરના કહેવાથી નવું ઘર જોવા પહોંચેલા અંકિત અને તેની પત્ની શિફાલીને જરા પણ અંદાજ નહોતો કે થોડી જ ક્ષણોમાં તેમની જિંદગી હોસ્પિટલના બેડ સુધી સીમિત થઈ જશે. આ ભયાનક ઘટનાનો CCTV વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા ઘટનાના CCTV વીડિયોમાં જોઈ શકાય છે કે પિટબુલ અચાનક બંને પર તૂટી પડે છે. ચીસો સાંભળીને ઘરમાંથી એક મહિલા હાથમાં લાકડી લઈને બહાર આવે છે અને શ્વાનને મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ હિંસક બનેલો પિટબુલ પાછળ હટવાને બદલે હુમલો કરતો રહે છે. ત્યારબાદ આસપાસના 2-3 સ્થાનિક લોકો લાકડીઓ લઈને ત્યાં પહોંચે છે અને ભારે મહેનત બાદ ઘાયલ કપલને શ્વાનના જડબામાંથી છોડાવે છે.