સુરતના પુણા ગામમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી તેના માથામાં પત્થર મારી હત્યા કરી ખાડામાં દાટી દેનારા આરોપી રામપ્રસાદ સિંહને કોર્ટે 20 જુલાઈના રોજ તકસીરવાર ઠેરવ્યો હતો. આજે આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. જેમાં નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આરોપી સામે સમગ્ર કેસ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ચલાવ્યો હતો. જેમાં 15થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા.
આ કેસની અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીએ અંદાજિત 7 કિલોની બાળકી પર 15 કિલોથી વધુના વજનનો પથ્થર મૂકી હત્યા કરી હતી. બાદમાં નજીકના ખાડામાં દાટી દીધી હતી. બાળકીની છાતી પર મૂકેલા ભારી પથ્થરથી બાળકીની એક તરફની પાંસળી બેસી ગઈ હતી તો બીજી તરફની ઉપસી આવી હતી. કેસની વિગત મુજબ, આરોપી 13મી એપ્રિલે ઘર નજીકથી બાળકીને ઉંચકીને અવાવરુ જગ્યાએ લઈ જઈ પિશાચી કૃત્ય આચર્યું હતું.
સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ થઈ હતી અને પોલીસે તેને ઝડપી લીધો હતો. ઝડપથી ચાર્જશીટ થયા બાદ કેસ ચાલ્યો હતો અને કોર્ટે હત્યા અને પોક્સોના કેસમાં 20 જુલાઈના રોજ દોષિત ઠેરવ્યો હતો. જ્યારે આજે સુરત એડિશનલ ડ્રિસ્ટિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ ડી. પી. ગોહિલે રામપ્રસાદ ઉફે લલનસિંગ મહેશસિંગ ગૌણને ફાંસીની સજા ફટકારી હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આરોપીના સીસીટીવી ફેસ રેકોગ્નાઈઝેશન અને મેડિકલ પુરાવા આ કેસમાં મહત્વના સાબિત થયા હતા. આરોપીને ફાંસીની સજા સંભળાવવાની સાથે સાથે ભોગ બનનાર પરિવારને ત્રણ લાખનું વળતર આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે. નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આ કેસમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદા ટાંકવામાં આવ્યા હતા.
આ સાથે જ ભરૂચનો શંભુ પઢિયારનો કેસ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં ચાર વર્ષના બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. જોકે આ કેસમાં બાળકી સાથે આરોપીએ બરબરતા પૂર્ણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરી હતી અને લાશને દાટી દીધી હતી. તેથી શંભુ પઢિયાર કેસ કરતા પણ આ કેસ ગંભીર હોવાનું મેં દલીલમાં કહ્યું હતું. જેના આધારે હજુ ચુકાદો આજે કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
