/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/06222430/1-4.jpg)
ગુજરાતમાં વધી રહેલાં કોરોનાના કેસના કારણે હાઇકોર્ટે ત્રણથી ચાર દિવસ માટે સંપુર્ણ લોકડાઉન કરવા માટે રાજય સરકારને તાકીદ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને ચાલેલી મેરેથોન બેઠક બાદ રાજયના 20 શહેરોમાં રાત્રિ કરફયુ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મીક, રાજકીય અને સામાજીક કાર્યક્રમો ઉપર પણ કેટલાક પ્રતિબંધો ફરમાવી દેવાયાં છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થયો હતો. મંગળવારના રોજ રેકોર્ડબ્રેક કહી શકાય તેટલાં 3000 હજાર કરતાં પણ વધારે કેસ નોંધાયાં હતાં. મંગળવારની સવારથી ગુજરાત હાઇકોર્ટે રાજયમાં સંપુર્ણ લોકડાઉન માટેની ટકોર કરતાં ચારે તરફ લોકડાઉન અંગે ચર્ચાઓ શરૂ થઇ ચુકી હતી. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ સરકાર એકશનમાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને સાંજના સમયે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ, કેબીનેટ મંત્રીઓ તથા ગુજરાત હાઇકોર્ટના એજી કમલ ત્રિવેદી હાજર રહયાં હતાં. ત્રણ કલાકથી પણ વધારે સમય ચાલેલી બેઠકમાં મહત્વપુર્ણ નિર્ણયો લેવાયાં હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારે લીધેલા નિર્ણયોની જાણકારી આપી હતી. જેમાં રાજયના 20 શહેરોમાં રાત્રિ કરફયુ અમલી બનાવાયો છે. આવતીકાલે ( બુધવાર)થી કરફયુનો અમલ કરાવવામાં આવશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા,જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં રાત્રિ કરફયુ અમલમાં આવ્યો છે. આ તમામ શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લોકો પોતાના ઘરોની બહાર નીકળી શકશે નહિ. સરકારના નવા નિર્ણયો સંદર્ભમાં આવતીકાલે બુધવારના રોજ નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.