ખાડીપૂર સામે જન આંદોલનના એંધાણ
25 દિવસમાં 3 વખત પૂરના પાણી ઘૂસ્યા
15થી વધુ સોસાયટીઓએ બનાવી ‘જન આંદોલન સમિતિ’
હવે વાયદા નહીં, કાયમી ઉકેલની માંગ
પદયાત્રા, બાઇક રેલી અને ઉપવાસની ચીમકી
સુરતના પર્વત પાટીયા અને મીઠી ખાડી આસપાસના વિસ્તારોમાં છેલ્લા 10 વર્ષથી ખાડી પૂરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકો હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. માત્ર ૨૫ દિવસની અંદર ૩-૩ વખત પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.
સુરતમાં મીઠી ખાડીનું પૂર હવે સ્થાનિકો માટે કાયમી મુસીબત બની ગયું છે. પર્વત પાટીયા અને મગોબ વિસ્તારની 15થી વધુ સોસાયટીઓના લોકોએ ભેગા મળીને હવે ‘જન આંદોલન સમિતિ’ની રચના કરી દીધી છે. ઋષિવિહાર, માધવબાગ, સત્યમ એપાર્ટમેન્ટ, કૈલાશ નગર, શ્રી વર્ધન, વીર દર્શન અને નંદનવન રો-હાઉસ સહિતની સોસાયટીઓના 400થી વધુ લોકો મોડી રાત્રે એકઠા થયા હતા. લોકોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી તંત્ર તરફથી માત્ર ખોટા વચનો જ મળ્યા છે, પરંતુ હવે તેમને કોઈ વાયદા નથી જોઈતા, માત્ર ને માત્ર ખાડી પૂરનું કાયમી નિવારણ જોઈએ છે.
સ્થાનિક રહીશોએ ચીમકી આપી છે કે આ લડત હવે માત્ર સ્થાનિક કક્ષાએ સીમિત નહીં રહે. સુરત મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને મેયરથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જે માટે આગામી દિવસોમાં પદયાત્રા, વિશાળ બાઇક રેલી અને ભૂખ હડતાલ જેવા આંદોલનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વારંવાર ઘરનો સામાન બગડી જવો અને મોંઘા વાહનો પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોમાં કાયમી આર્થિક અને માનસિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેથી આ વખતે આરપારની લડાઈ નક્કી કરવામાં આવી છે.
