દાહોદમાં મુશળધાર વરસાદના કારણે હાર્દસમાન સ્ટેશન રોડ જ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ઢીંચણસમા પાણી ભરાય જતાં એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.
દાહોદ જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી વરસાદે વિરામ લીધા બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. દાહોદ શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા દાહોદ શહેરવાસીઓને ગરમીના બફારામાંથી રાહત મળી તો હતી પરંતુ દાહોદ શહેરના સ્ટેશન રોડ જળબંબાકાર બની ગયો હતો. ઢીંચણસમા પાણીમાંથી વાહનો પસાર થતાં જોવા મળ્યાં હતાં.પાણી ભરાવાના કારણે એક તરફનો જવાનો માર્ગ બંધ થવા પામ્યો હતો. ત્યારે એક તરફના રોડ ઉપર ટ્રાફિક વધી જવાના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો.દાહોદ નગર પાલિકા દ્રારા કરાયેલી પ્રિમોન્સુન કામગીરીની પોલ વરસાદમાં ખુલી ગઇ હતી.