દુબઇમાં વર્લ્ડ મિક્સ માર્શલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ વિજેતા બની મુસા રઈસ દેવગઢ બારીયા આવી પહોંચતા તેમનું સન્માન કરાયું હતું.
વડોદરા જિલ્લાના નાનકડા આસોજ ગામના વતની અને અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા મુસા રઈસ નામના યુવકે દેશની સાથે વડોદરા જિલ્લાનું પણ નામ રોશન કર્યું છે. મુસા રઈસે માત્ર 10માં ધોરણ સુધી જ અભ્યાસ હાંસિલ કર્યો છે. તેણે ખેલ કૂદની દુનિયામાં જવાનુ પોતાનું સ્વપ્ન બનાવી લીધું હતું અને આજે અથાગ મહેનત બાદ તેમનું સ્વપન પૂર્ણ થયું છે. રમતગમત ક્ષેત્રે તેમણે ભારત દેશનું નામ રોશન કર્યું છે. ગરીબીના કારણે મુસા રઈસ પાસે ટ્રેનિંગ માટે ના કોચ કે ના કોઈ ટ્રેનર હતા. પણ જાત મહેનતે મુસાએ આજે ભારત દેશનું નામ રોશન કર્યું છે.
મુસા રઈસે બોકસીંગ ક્ષેત્રે મોટી સિધ્ધી પ્રાપ્ત કરી છે. 2015ના વર્ષમાં પ્રથમ ફાઇટ સાઉથ આફ્રિકા ખાતે લડ્યા હતા અને તેમાં બ્રોન્ઝ મેડલ વિજેતા બન્યા હતા. આ સિવાય સાત વખત રાષ્ટ્રીય કક્ષાએ મેડલિસ્ટ વિજેતા બન્યા છે અને ત્રણ વખત ઇન્ટર નેશનલ લેવલે ટાઇટલ બેલ્ટ વિજેતા બન્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સાઉથ આફ્રિકા ખાતે, ત્યાર બાદ બેહરીન અને ત્રીજી વખત ઇન્ડિયામાં મેડલ વિજેતા બન્યા હતા.
વડોદરા જિલ્લાના ગરીબ પરિવારમાંથી આવતા મુસા રઈસે ભારત સરકાર પાસે સમર્થન માંગ્યું છે. ભારત સરકારના સપોર્ટથી ભારતમાં રહીને દેશનું નામ રોશન કરવાની ઈચ્છા જાહેર કરી હતી. દુબઇમાં વર્લ્ડ મિક્સ માર્શલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને બેહરીન ખાતેથી પરત ફરેલા મુસા રઈસ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મુસા રઈસનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.