80 વર્ષના સંસ્મરણો ફરી થયા તાજાં, ગાંધીજીની દાંડિયાત્રા બાદ ફરી એક વાર "આઝાદીના અમૃત મહોત્સવ"ની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી દાંડિયાત્રાનુ ભરૂચ જિલ્લામા આગમન થયુ. દાંડિયાત્રા આણંદના કણકાપુરા ખાતેથી જંબુસરના કારેલી ગામે પહોંચી.
"આઝાદીના અમૃત મહોત્સવ"ની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી દાંડિયાત્રા જંબુસરના કારેલી ખાતે આણંદ જિલ્લાના કણકાપુરા થી આવી પહોંચી હતી. જંબુસર તાલુકાના કારેલી ગામે દાંડિયાત્રા માર્ગ પરથી ભરૂચ જિલ્લામાં દાંડિયાત્રાએ પ્રવેશ કર્યો હતો જ્યાં દાંડિયાત્રામાં જોડાયેલ 81 જેટલા યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લામાંથી ભરૂચમાં દાંડી માર્ગ પર પ્રવેશ કરવા દાંડી યાત્રિકોએ નાવડામાં બેસી મહીસાગર નદી ઓળંગી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામ ખાતે દાંડિયાત્રા આવી પહોંચતા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું.
દાંડિયાત્રાનું સ્વાગત ભરૂચના કારેલી ખાતે કલેકટર એમ ડી મોઢિયા, ડીડીઓ, ટીડીઓ, મામલતદાર તેમજ માજી મંત્રી છત્રસિંહ મોરી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસિંગ ગોહિલ, જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર, જિલ્લા પંચાયતમાં પ્રમુખ અલ્પાબેન પટેલ સહિત અધિકારીઓ અને જંબુસર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી દાંડીમાર્ચમાં આવેલ યાત્રિકોનો ઉત્સાહ વધાર્યો હતો.