‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ અંતર્ગત ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેજા હેઠળ આહવા તાલુકા પંચાયત દ્વારા રચાયેલા મહિલા સ્વસહાય જૂથોના સામૂહિક ‘દિવાળી સ્ટોલ્સ’ને મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આહવાની કલેક્ટર કચેરી સામે ડાંગની ગ્રામીણ મહિલાઓના કુલ 10 જેટલા વિવિધ ચીજવસ્તુઓના વેચાણ-કમ-પ્રદર્શનના સ્ટોલ્સને રિબન કાપીને ખુલ્લો મુકતા આહવા તાલુકા પંચાયતના પ્રમુખ કમળા રાઉત, જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એન.ચૌધરી, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી રતિલાલ ચૌધરી સહિત તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ દિપક પિંપળેએ ઉપસ્થિત રહી પ્રજાજનોને ‘વોકલ ફોર લોકલ’ બનીને, સ્વદેશી ઉત્પાદનોના વપરાશ માટે અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, તા. ૧થી ૩ નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન આયોજિત આ “દિવાળી સ્ટોલ્સ” માં ડાંગ જિલ્લાના જુદાજુદા મહિલા સ્વસહાય જૂથો દ્વારા નાગલીની વિવિધ વેરાયટીઓ ઉપરાંત શક્કરપાડા, ચોળાફળી, મઠીયા, પાપડ જેવા દિવાળીના નાસ્તા, રંગોળી, કોડિયા, હળદર-મસાલા સહિત ડ્રેસ મટિરિયલ જેવા ઉત્પાદનો વેચાણ અર્થે રજૂ કરવામાં આવી રહ્યા છે, ત્યારે મહિલા સ્વસહાય જૂથોના સામૂહિક ‘દિવાળી સ્ટોલ્સ’ને મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકાતા સ્થાનિકોએ તંત્રનો આભાર માન્યો હતો.