સુપ્રીમ કોર્ટે કુરાનની 26 કલમો આતંકવાદને પ્રોત્સાહન આપતી હોવાનો આક્ષેપ કરતી અરજીને ફગાવી દીધી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે અરજદાર અને યુપી શિયા વકફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી પર પણ 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝવીએ પોતાની દલીલમાં કહ્યું હતું કે કુરાનની આ 26 કલમોમાં બિન મુસ્લિમો સામે હિંસા ભડકાવવા અને તેમની હત્યા કરવાના શબ્દો છે.ન્યાયાધીશ રોહિન્ટન એફ. નરિમાનની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે આ અરજી ધ્યાનમાં લેવા યોગ્ય નથી. રિઝવીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે કુરાનના આ 26 આયાતો આતંકને પ્રોત્સાહન આપવા માટે હતા અને તેને દૂર કરવા જોઈએ જેથી મુસ્લિમ સમુદાયનું નામ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાઈ ન શકે. રિઝવીએ પોતાની અરજીમાં એમ પણ કહ્યું હતું કે આ કલમો દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે છે. રિઝવીએ પોતાની પીઆઈએલમાં આક્ષેપ કર્યો હતો કે 26 કલમો "હિંસાને પ્રોત્સાહન આપે છે"અને તે મૂળ કુરાનનો ભાગ ન હતા, પરંતુ પછીના સંશોધનોમાં ઉમેરવામાં આવ્યા હતા અને તેથી તેઓને પવિત્ર પુસ્તકમાંથી દૂર કરવા જોઈએ.
રાષ્ટ્રીય લઘુમતી પંચે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ ગત મહિને રિઝવીને આ નોટિસ પાઠવી હતી. કમિશને તેની નોટિસમાં કુરાન અંગે વસીમ રિઝવી દ્વારા દાખલ કરેલી પીઆઈએલ પર નારાજગી પણ વ્યક્ત કરી હતી. વસિમ રિઝવીને તેમની વિવાદિત ટિપ્પણી અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અંગે કમિશને નોટિસ ફટકારી હતી. રાષ્ટ્રીય લઘુમતી પંચે વસીમ રિઝવીને બિનશરતી માફી માંગવા અને પોતાનું નિવેદન પાછું ખેંચવા કહ્યું હતું. રાષ્ટ્રીય લઘુમતી પંચે કહ્યું હતું કે જો વસિમે તેમ ન કર્યું તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કમિશને એમ પણ કહ્યું હતું કે વસીમ રિઝવીએ એક નિશ્ચિત કલ્પના હેઠળ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું અને દેશમાં પરસ્પર સંવાદિતા બગાડે તેવું નિવેદન હતું.