Connect Gujarat
ધર્મ દર્શન 

અમદાવાદ : કૃત્રિમ કુંડ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન, ભક્તોએ આપી ભાવભીની વિદાય...

ભાદરવા મહિનાની સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે

X

"ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ"ના નારા સાથે આજે સમગ્ર રાજ્યમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલ કૃત્રિમ વિસર્જન કુંડ ખાતે વહેલી સવારથી જ ભક્તોએ ગણેશજીનું વિસર્જન કરી ભાવભીની વિદાય આપી હતી.

આજે ભાદરવા મહિનાની સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે આજે દેશભરમાં 10 દિવસ બાદ શ્રીજીભક્તો દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે 55 જેટલા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે, ભક્તો નદી કે, તળાવમાં મૂર્તિ વિસર્જન કરીને જતા રહે છે. જેના લીધે પાણીમાં પ્રદૂષણ ફેલાય છે.

જોકે, આ વખતે મોટાભાગના લોકો માટીમાંથી બનેલી ગણેશજીની પ્રતિમા લાવ્યા હતા. માટીની મૂર્તિનું ઘરમાં જ વિસર્જન કરી શકાય છે. પરંતુ ઘણી જગ્યાએ વિશાળકાય મૂર્તિ લાવવામાં આવી છે. જેનું વિસર્જન કૃત્રિમ કુંડમાં કરી શકાય તે માટે મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જ્યાં બપોર બાદ વિસર્જન રૂટ પર તમામ માર્ગ બંધ કરવામાં આવ્યા હતા. આ સાથે જ શહેરના રિવરફ્રન્ટ નજીક તૈયાર કરાયેલ કૃત્રિમ કુંડ ખાતે પણ ઢોલ-નગારાના તાલે શ્રીજીભક્તો દ્વારા બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

Next Story