લોકશાહીના પર્વ એવા ચૂંટણી અંગે લોકો વધુમાં વધુ જાગૃત થાય તે માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ ગણપતિ પંડાલોમાં આવતા શ્રદ્ધાળુઓને EVM અંગે માહિતી આપવામાં આવી હતી.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે, ત્યારે ઠેર ઠેર જન જાગૃતિઓના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેવામાં અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજી ભક્તો જ્યારે દર્શનનો લ્હાવો લેવા આવે, ત્યારે તંત્ર દ્વારા તમામ લોકોને EVM અંગે માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ આવનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વડિયા મામલતદાર દ્વારા મતદાર યાદી સુધારણા તેમજ મતદાર નોંધણી કાર્યક્રમોનું ગણેશ પંડાલોમાં આયોજન કરાયું હતું.
આગામી વિધાનસભાની ચૂંટણી અગાઉ તમામ મતદાતાઓમાં જાગૃતિ આવે તે હેતુથી હાલ ગણેશ મહોત્સવમાં ઉમટતી દર્શનાર્થીઓની ભીડ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, ત્યારે શ્રીજી દર્શનની સાથે જ મતદાન જાગૃતિની અનોખી પહેલને વડિયાવાસીઓએ વધાવી હતી.