બનાસકાંઠાના જિલ્લાના બુકોલી ગામમાં દિવાળી તહેવારના 5 દિવસ દરમ્યાન ઘોડા દોડાવીને દિપોત્સવ મનાવવામાં આવે છે, ત્યારે આ અશ્વ દોડને નિહાળવા મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો ઉમટી આવે છે. ગુજરાત રાજ્યનું એકમાત્ર એવુ એક ગામ છે, જ્યાં સળંગ 5 દિવસ અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે. બનાસકાંઠાના જિલ્લાના બુકોલી ગામમાં કોટિયાવીરનું મંદિર આવેલું છે.
કોટડિયાવીર દાદા પ્રત્યેની આસ્થા સાથે ગામના લોકો સતત 5 દિવસ દરમિયાન ઘોડાની રેસ લગાવે છે. જેમાં બુકોલી સહિત આસપાસના ઘોડેસવારો આવતાં હોય છે. અંદાજે 100થી વધુ ઘોડેસવાર સામેલ થાય છે. આ કોઇ સ્પર્ધા માટે નહી, પરંતુ કોટડિયાવીરની આસ્થા અને ભક્તિની પરંપરાના કારણે ઉત્સવ ઊજવાય છે. એવી લોકવાયકા છે કે, કોટડિયાવીર દાદા ગૌચરમાં ચરતી ગાયોની વહારે આવ્યા હતા, અને તેમને ઘોડાઓનો શોખ હતો.
વર્ષો પહેલા ગામ લોકોને રાત્રે ઘોડાઓના પગલાનો અવાજ સંભળાયો હતો. ગામજનો દાદા પાસે ગયા અને દાદાને કહ્યું કે, આપને ઘોડાનો શોખ છે તો ગામલોકો ઘોડા દોડાવશે. બસ, ત્યારથી જ ગામમાં ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી ઘોડા દોડાવવામાં આવે છે. સતત 5 દિવસ દરમિયાન ગામના ચોરે ઢોલ-નગારા વગાડવામાં આવે છે. જેના અવાજથી ઘોડેસવાર અને ગામના લોકો એકઠાં થવા માંડે છે. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો અને ઘોડેસવાર કોટિયાવીરના મંદિરે પ્રાર્થના સહિત પૂજન અર્ચન કરવા જાય છે.
મંદિરે દર્શન કર્યા બાદ ઘોડાની રેસ માટેના રસ્તા પર બંને બાજુ લોકો ગોઠવાઇ જાય છે. ત્યારબાદ ઘોડાઓને પ્રસ્થાન કરવાની જગ્યાએથી બે-બે હરોળમાં ઘોડેસવારો એકબીજાના હાથ પકડીને ઘોડા દોડાવવાનું શરૂ કરે છે. અહીં કોઈ સ્પર્ધા નથી થતી. પરંતુ ધાર્મિક પરંપરાના ભાગરૂપે ધનતેરસથી ભાઈબીજ સુધી આ ઉત્વસનું આયોજન કરવામાં આવે છે.