ભરૂચ અને સમગ્ર જીલ્લામાં ગતરોજ રાત્રી દરમિયાન દશામાંની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ નદી તળાવો પ્રદૂષણ મુક્ત રહે તે માટે પાલિકા દ્વારા જે.બી.મોદી પાર્ક નજીક કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં દિવાસાથી શરૂ થતાં દશામાના વ્રતની ઉજવણી માટે મહિલાઓ તથા કુંવારિકાઓમાં ગજબનો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. વ્રતની શરૂઆત કરનાર પ્રત્યેક માઈભક્તો 10 દિવસના ઉપવાસ રાખી દશામાનું પૂજન-અર્ચન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા દશામાની ભક્તિમાં લીન બન્યા હતા. અષાઢી અમાસ એટલે કે, દિવાસાથી પ્રારંભ થતાં દશામાના વ્રતના 10 દિવસ સુધી માતાજીની પૂજા, અર્ચના, ભક્તિ કર્યા બાદ નદી અને તળાવના જળમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચમાં ગતરોજ રાત્રી દરમિયાન દાંડિયા બજાર નજીક, દશાશ્વમેઘ ઘાટ, જાડેશ્વર ઘાટ, જે.બી મોદી પાર્ક નજીકના કુત્રિમ તળાવમાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
તો બીજી તરફ અંકલેશ્વર તરફના નદી કિનારે નગરપાલિકા ફાયર ફાઇટર ટીમ સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે માઇ ભક્તોએ દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ વિસર્જન વેળાએ પૂજા અર્ચના, ઢોલ નગારા સાથે વિસર્જન કરવા આવેલા માય ભક્તો દ્વારા ચઢાવામાં આવતા ફૂલ, હાલ અને ચુંદડીઓ નદીમાં પ્રવાહિત ન થાય અને નદી પ્રદૂષણ મુક્ત રહે તેવા પ્રયાસના ભાગરૂપે કલીન ભરૂચ કલીન નર્મદા સંસ્થાના સભ્યોએ ખડે પગે ઊભા રહી ભક્તોએ અર્પણ કરેલી પૂજાની સામગ્રીને એકઠી કરી યોગ્ય જગ્યાએ નિકાલ કરી હતી.