સોમનાથ જ્યોતિર્લિંગની છત્રછાયા હેઠળ આસ્થાનું કેન્દ્ર
ત્રિવેણી સંગમ તટે બિરાજમાન એકમાત્ર પ્રાચીન મંદિર
સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ મહાકાળી મંદિરનો અનેરો મહિમા
નવરાત્રીના પાવન અવસરે ઊમટ્યું માઈભક્તોનું ઘોડાપૂર
ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું ચંદ્રભાગા શક્તિપીઠ
સોમનાથના જ્યોતિર્લિંગની છત્રછાયા હેઠળ ત્રિવેણી સંગમ તટે બિરાજમાન પ્રાચીન સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ મહાકાળી મંદિર નવરાત્રીના પાવન અવસરે ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.
શિવપુરાણ અનુસાર માતા સતીના પિતા દક્ષે યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન કર્યું હતું. એ અપમાન સહન ન થતાં દેવી સતી યજ્ઞકુંડમાં ઝંપલાવી બલિદાન આપ્યું હતું. ક્રોધમાં ભરાયેલા ભગવાન શિવ સતીનું શરીર ઉઠાવીને બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા, ત્યારે પ્રલય ટાળવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી દેવી સતીના શરીરના અનેક ટુકડા કર્યા હતા. એમ કુલ 51 અંગો અને આભૂષણો ધરતી પર અલગ-અલગ સ્થળે પડતાં ત્યાં શક્તિપીઠો અસ્તિત્વમાં આવ્યા છે. આજે પણ એ તમામ પવિત્ર સ્થાન પર માતાની શક્તિ સાક્ષાત્રૂપે બિરાજે છે, દરેક શક્તિપીઠની રક્ષા ત્યાંના ભૈરવ કરે છે, અને એ જ શક્તિપીઠોમાંનું એક પવિત્ર સ્થાન છે.
સોમનાથ તીર્થધામમાં આવેલું આ મંદિર આશરે 850 વર્ષ જૂનું હોવાનું મહંત હરિનારાયણગીરી જણાવે છે. માન્યતા મુજબ માતાજીના 51 શક્તિપીઠોમાંનું એક આ પણ પવિત્ર સ્થાન છે, જ્યાં માતાજીના ઉદર ભાગનું પ્રતિક બિરાજમાન છે. આ સ્થાન ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે ઓળખાય છે. વધુમાં મહંત હરિનારાયણગીરીએ જણાવ્યુ હતું કે, તેમના ગુરુ તપ્સીબાપુ શાંતાનંદગીરી અહીં 50 વર્ષ સુધી ગાયના દૂધ પર જીવન યાપીને માતાજીની સેવા-પૂજા સાથે તપસ્યા કરતા હતા.
પ્રભાસ તીર્થના તીર્થ પુરોહિત જસમીન જાની વર્ષોથી આ શક્તિપીઠ પર પૂજા અર્ચના માટે આવે છે. તેમના જણાવ્યા મુજબ આ પવિત્ર સ્થાને માતાજીનું ઉદર હોવાથી તે ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અહીં માતાજીની મૂર્તિમાં પેટનો ભાગ અંદરની તરફ દેખાય છે. નવરાત્રી દરમ્યાન મંદિર પરિસરમાં ખાસ ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી શરૂ થાય છે.
પ્રથમ નોરતે ઘટસ્થાપન, પાંચમાં નોરતે ગરભી ગાઈ, સાતમા નોરતાએ કુમારિકા પૂજન, આઠમે ગરબો અને નવમે હવન-હોમ. ભવ્ય ભગવા રંગમાં ઝળહળતું આ મંદિર 24 કલાક “યા દેવી સર્વભૂતેુષુ…” ના કીર્તન અને અખંડ ધૂણાથી ગુંજે છે. અહી અખંડ દીપ પ્રજવલિત રહે છે, અને નવરાત્રીમાં ખાસ અખંડ દીપ માટે એક ધીનો, એક તેલ સચિનનો ઉપયોગ થાય છે. નવરાત્રિના 9 દિવસ દરમ્યાન તીર્થ પુરોહિતો દ્વારા દુર્ગા સપ્તશતીનો પાઠ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ તીર્થ ખાતેનું સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ મહાકાળી મંદિર, જ્યાં નવરાત્રિ દરમિયાન ભક્તિ અને આસ્થાનો અખંડ પ્રવાહ વહેતો રહે છે. મંદિર પરિસરમાં ગુરુગાદી, દુર્ગેશ્વર મહાદેવ, દત્તાત્રેય મહારાજ, વકતુંડ ભૈરવ અને ગુરુ સમાધિ જેવા પવિત્ર સ્થળો ભક્તોને આધ્યાત્મિક અનુભવ કરાવે છે. હૈદરાબાદથી આવેલા શ્રદ્ધાળુ નિરંજન યાદવના પરિવારે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. નવરાત્રીની પવિત્ર પળોમાં, સોમનાથના જ્યોતિર્લિંગની છત્રછાયા હેઠળ સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ ભક્તો માટે આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ સાબિત થઈ રહ્યું છે.