છોટીકાશી જામનગરમાં અનેક ધાર્મિક તહેવાર ભારે ધામધૂમથી ઉજવાય છે, ત્યારે જામનગરના સમસ્ત ભોઇ સમાજ દ્વારા છેલ્લા 67 વર્ષથી હોળીના તહેવાર પર હોળીકાનું 25 ફૂટનું મહાકાય પૂતળું બનાવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જામનગર શહેરમાં સમસ્ત ભોઇજ્ઞાતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ વિખ્યાત હોળીકા મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેના કન્વીનર તરીકે પરમ અતુલ દાઉડિયા અને સહ કન્વીનર તરીકે તેમના પિતા અતુલ દાઉડિયા અને તેમના ગ્રૂપને જવાબદારી સોંપવામાં આવી છે. હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ કથા અનુસાર ભક્ત પ્રહલાદ અને હોળીકાની પ્રતિકૃતિ સ્વરૂપે ભોઇજ્ઞાતિના વડીલો દ્વારા આજથી 67 વર્ષ પહેલા હોલિકાનું વિશાળ પૂતળું બનાવવાનું શરૂ કર્યું હતું. જે પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે. ભોઇ સમાજના યુવાનો દ્વારા ઘાસ, લાકડું, કાગળ, કલર, કોથળા, અને આભૂષણ, ઓરનામેન્ટ્સથી અંદાજે 3 ટન વજન અને 25 ફૂટની હાઇટનું પૂતળું છેલ્લા એક મહિનાની ભારે જહેમતથી બનાવવામાં આવ્યું છે,
ત્યારે ભોઈવાડા વિસ્તારમાં સમાજના લોકો દ્વારા હોલિકાના ખોળામાં ભક્ત પ્રહલાદને બેસાડી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે બાદ નવયુગલો દ્વારા શાસ્ત્રોકત વિધિવત હવન કરી આમંત્રિત મહેમાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં હોળી પ્રગટાવવામાં આવી હતી, જ્યાં દર્શન અર્થે શહેરભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.