Connect Gujarat
ધર્મ દર્શન 

શ્રાવણના ત્રીજા દિવસે સોમનાથ મહાદેવને અર્ક પુષ્પનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો

X

શિવ ભક્તોનો મહા ઉત્સવ એટલે કે પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થયો છે ત્યારે સોમનાથ મંદિરમાં મહાદેવને નિત્યક્રમ ઉપરાંત વિશેષ પૂજન અને શ્રૃંગાર કરવામાં આવે છે. મહાદેવને શ્રાવણ માસ દરમિયાન પ્રત્યેક દિવસે વિશેષ સાયમ શ્રૃંગાર કરવામાં આવે છે.

આજે શ્રાવણના તૃતીય દિવસે સોમનાથ મહાદેવને શિવજીને પ્રિય માનવામાં આવતા અર્ક એટલેકે આંકડાના પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. જ્યોતિર્લિંગ પર શિવજીની રજત મુખાકૃતિ બિરાજમાન કરવામાં આવી હતી. જેથી ભકતોને અર્ક પુષ્પો થી સુશોભિત શિવજીના સૌમ્ય સ્વરૂપના મનમોહક દર્શનનો લાભ મળ્યો હતો.

સનાતન ધર્મમાં પ્રાચીન સમયથી મહાદેવને અર્ક ફૂલની પૂજા કરવાનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર અર્ક પુષ્પને શિવજીની ઉપાસનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. અર્ક પુષ્પ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તેના કર્મફળમાં સુધારો થાય છે, તેમજ પૂજા કરનારને આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે. શિવ ઉપાસનામાં અર્ક પુષ્પ શ્રેષ્ઠ તત્વ હોવાનું વર્ણન સનાતન સંસ્કૃતિની પ્રાચીન પરંપરાઓમાં પણ જોવા મળે છે. અર્ક પુષ્પથી ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોનો માનસિક સંયમ વધે છે અને તેમને મહાદેવની અનુભૂતિ તરફ આગળ વધવામાં મદદ મળે છે.

Next Story