સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના મુખ્ય માર્ગો પર જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી, ત્યારે મોટી સંખ્યામાં શહેરીજનો સહિત રાજકીય આગેવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા.
શ્રાવણ વદ આઠમ તિથિ કૃષ્ણ પક્ષંના દિવસે જન્માષ્ટમીના પાવન પર્વની ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણના જન્મ દિવસને કૃષ્ણ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગરના લીંબડી શહેરના માર્ગો પર જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિત રાજકીય આગેવાનો જોડાયા હતા. "હાથી, ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી"ના નાદ સાથે સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો. લીંબડી ખાતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આ વર્ષે મટકી ફોડનો કાર્યક્રમ રદ્દ રાખવામાં આવ્યો હતો. પરંતુ એક સમયે શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સરકારની ગાઈડલાઇનનું પાલન ભૂલ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.