Connect Gujarat
ધર્મ દર્શન 

મહીસાગર : ડેમની સપાટી ઘટતા જ થાય છે 850 વર્ષ જૂના નદીનાથ મહાદેવના દર્શન, જાણો મંદિરનું મહાત્મય...

એક લોકવાયકા મુજબ મહીસાગર જિલ્લામાં કડાણા ડેમના નિર્માણ પહેલા નદીનાથ મહાદેવ મંદિરે મહિપુનમ તેમજ ભાદરવી પૂનમનો મેળો ભરાતો હતો.

X

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ડેમની પાછળના ભાગે આવેલું નદીનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. જોકે આ મંદિરની વિશેષતા એ છે કે, ફક્ત ડેમમાં પાણીના સ્તર ઘટતા ડૂબાણમાં ગયેલું શિવાલય ભક્તોને દર્શન આપવા બહાર આવે છે.

મહીસાગર જીલ્લાના કડાણા ડેમની જળ સપાટીમા નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ કિનારા અને બેટ ખુલ્લા થતા ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલ નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતા દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા છે. મહિસાગર જીલ્લાના જીવાદોરી સમાન તેમજ કડાણા ડેમમાં હાલ પાણીનો નહિવત જથ્થો જોવા મળી રહ્યો છે, ત્યારે જો આવનાર દિવસોમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તો આગામી સમયમાં જળ સંકટ સર્જાય તેવા એંધાણ સર્જાય રહ્યા છે. તો બીજી તરફ ડેમ કેચમેન્ટ વિસ્તારમાં પાણીની વચ્ચે આવેલ ડુંગરની ગુફામાં 850 વર્ષ જૂનં્ નદીનાથ મહાદેવ મંદિર આવેલ છે. જે ડેમના નિર્માણ દરમિયાન ડુંબાણમાં ગયું હતું. જોકે, ચાલુ વર્ષે ડેમની જળ સપાટી નીચી જતા મંદિરના દ્વાર ખુલ્લા થતા ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

એક લોકવાયકા મુજબ મહીસાગર જિલ્લામાં કડાણા ડેમના નિર્માણ પહેલા નદીનાથ મહાદેવ મંદિરે મહિપુનમ તેમજ ભાદરવી પૂનમનો મેળો ભરાતો હતો. જેમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હતા. પરંતુ ડેમના નિર્માણ બાદ ગુફામાં આવેલ ભેકોટલીયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડૂબાણમાં જતાં 850 વર્ષ પુરાણું ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર 20 વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં ખૂલ્યું હતું. પરંતુ ફરી એકવાર આ વર્ષે કડાણા ડેમના પાણી સ્તર નીચે જતાં મંદિરના દ્વાર ખૂલ્યા છે, ત્યારે હાલ તો દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બની હોડી મારફતે નદીનાથ મહાદેવ મંદિરે પહોચી અલૌકિક શિવાલય દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

Next Story