નવરાત્રીના 9 દિવસ માઁ આદ્યશક્તિની આરાધના
ભરૂચ-અંકલેશ્વરમાં માઈભક્તોએ કર્યું પૂજન-અર્ચન
માઈભક્તોએ જવારાની સતત 9 દિવસ કરી પૂજા
નવમાં નોરતે જવારાની વિસર્જન યાત્રાઓ નીકળી
પવિત્ર નર્મદા નદીમાં જવારાનું વિસર્જન કરાયું
ભરૂચ તથા અંકલેશ્વરમાં નવરાત્રીમાં માઇભક્તો દ્વારા સ્થાપિત જવારાની 9 દિવસ પૂજા-અર્ચના બાદ શોભાયાત્રા કાઢી નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આસો નવરાત્રીના 9 દિવસ માઁ આદ્યશક્તિની આરાધનામાં માઈભક્તો લિન બન્યા હતા. ઘરે ઘરે માઁ આદ્યશક્તિના પ્રતીક સ્વરૂપે ગરબો મુકી જવારાની સ્થાપના કરવામાં આવી હતી.
આ સાથે જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માઁ અંબાની આરાધના કરવામાં આવી હતી. નવરાત્રી નિમિતે ભક્તો દ્વારા 9 દિવસ શક્તિના સ્વરૂપે જવારા વાવી તેનું સ્થાપન કરવામાં આવે છે, અને માઇભક્તો દ્વારા ઘરે તેમજ મંદિરના ગર્ભગૃહમાં 9 દિવસ પૂજન અર્ચન અને આરતી કરી શક્તિની ભક્તિ કરવામાં આવે છે, ત્યારે ભરૂચ સહિત અંકલેશ્વરમાં માઈભક્તોએ જવારા વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
અંકલેશ્વરમાં વાજતે ગાજતે જવારાની શોભાયાત્રા કાઢી નર્મદા નદીમાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, ભરૂચ તાલુકાના તવરા ગામે આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દેવી મંદિરમાં સ્થપાયેલા જવારાની ભક્તિભાવ સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી, ત્યારબાદ જવારાને નર્મદા નદીના નીરમાં શ્રદ્ધા અને ઉમંગના વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા.