કામરેજ તાલુકાના લાડવી ગામ ખાતે કરાયું આયોજન
જે.જે.ગ્રુપ દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન આયોજન
7.11 લાખ પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા કરાય
શિવજીની પૂજા કરવા માટે અનોખો સંકલ્પ પૂર્ણ કરાયો
મોટી સંખ્યામાં ભક્તોએ પૂજન અને દર્શનનો લ્હાવો લીધો
શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો પવિત્ર સમય. આ માસમાં શિવભક્તો વિવિધ રીતે ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, અને આ જ ભાવના સાથે સુરતમાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામ ખાતે જે.જે.ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનાના અંતિમ દિવસ સુધીમાં 7.11 લાખ પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ પૂર્ણ થયો છે.
વલથાણ કેનાલ રોડ પર આવેલ જે.જે.ફાર્મમાં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માટીના શિવલિંગ બનાવી શ્રાવણ માસ દરમિયાન પ્રતિદિન પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આધુનિક યુગની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને ભગવાન સાથે જોડાવાની તક આપવાનો છે. પૂજા-અર્ચના બાદ તમામ શિવલિંગનું તાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ આયોજનથી ભક્તોમાં એક અનોખો ભક્તિમય માહોલ સર્જાયો હતો.