/connect-gujarat/media/post_banners/aa9db2622ac9a1532538d84ebcdc217ffa033ff6f55a6ef0ca8d4848c691320c.jpg)
આજે અખાત્રીજના દિવસે વડોદરા શહેરમાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ઈદ-ઉલ-ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.
બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા આજરોજ પરશુરામ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાઈક, કાર, ઘોડાગાડી સહિતના વાહનો જોડાયા હતા. આ શોભાયાત્રા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી નીકળી અમદાવાદી પોળ સુધી પહોંચી હતી. જેનું રસ્તામાં ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ મુસ્લિમ બિરાદરો દ્વારા પણ શોભાયાત્રાનું સ્વાગત કરાતા કોમી એકતાના દ્રશ્યો છતાં થયા હતા. આ દરમિયાન આયોજક અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ઠેરઠેર લોકોએ પુષ્પમાળા પહેરાવવી સન્માન કર્યું હતું.
ગુજરાત પ્રદેશ આર્યવ્રત બ્રાહ્મણ સમાજ દ્વારા પણ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી મહેસાણા નગરથી નીકળી ફતેગંજ, રાવપુરા થઈ પંચમુખી મહાદેવ મંદિરે સમાપ્ત થઈ હતી. આ દરમિયાન વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશનના વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર સહિત મોટી સંખ્યામાં રાજકીય હોદ્દેદારો સાથે સમાજના આગેવાનો જોડાયા હતા. તો બીજી તરફ રમજાન મહિનામાં રોઝા રાખીને ખુદાની બંદગી કર્યા બાદ આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઉત્સાહભેર ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી.
ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાજ બાદ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ખાસ કરીને કોમી એખલાસનો માહોલ જળવાય રહે તે માટે શહેર પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કોમી એકતા માટે મીટીંગો કરવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનરે ઈદ અને પરશુરામ જયંતીની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે તમામ અધિકારીઓને બંદોબસ્ત માટે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.