/connect-gujarat/media/post_banners/fdf232deda1a7791b552cf18b8fba4e3fde73cf157ba5a28f4e1900852258f61.jpg)
વડોદરા શહેરમાં કોમી એખલાસના માહોલ વચ્ચે પરશુરામ જયંતિ, અખાત્રીજ અને રમઝાન ઇદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં આજે ઉત્સવોના ત્રિવેણી સંગમ વચ્ચે વાઘોડિયા રોડ પર આવેલ સૂર્યનારાયણ ગ્રાઉન્ડથી સમસ્ત બ્રહ્મ સમાજ અને નિઝામપુરામાં આર્યવ્રત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્યાતિભવ્ય પરશુરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
જય જય પરશુરામના નારા અને ઢોલ-નગારા, ડી.જે. સાથે વાજતે-ગાજતે નીકળેલી ભવ્યાતિભવ્યા શોભાયાત્રામાં ડભોઇના ધારાસભ્ય અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ મહેતા, ડો. વિજય શાહ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહિત બ્રાહ્મણો જોડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માર્ગો ઉપર નીકળેલી શોભાયાત્રા દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે બાઇકસવાર પોલીસ ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી.
માર્ગો ઉપર નીકળેલી શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવહાર ન ખોરવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા અગાઉથીજ ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન કરી દેવામાં આવ્યું હતું. પરિણામે શોભાયાત્રા કોઇ પણ જાતના ટ્રાફિક વિઘ્ન વિના પસાર થઇ હતી. તો બીજી તરફ, અખાત્રીજના પાવન દિવસે શહેરના સોની બજારમાં સવારથી શુકનનું સોનું ખરીદવા ગ્રાહકો આવી પહોંચ્યા હતા. તો ઇદગાહ મેદાન ખાતે મુસ્લીમ સમાજ દ્વારા સામુહિક નમાઝ અદા કરવામાં આવી હતી.