ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022 સીઝનને હવે થોડા દિવસો બાકી છે અને તમામ ટીમોએ 15મી આવૃત્તિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષની ટુર્નામેન્ટ ખૂબ જ શાનદાર બનવાની છે કારણ કે આ વખતે આઠને બદલે દસ ટીમો ભાગ લેવા જઈ રહી છે. નવી સિઝન પહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ખેલાડીઓ ભારતના ગુજરાત રાજ્યના સુરત શહેરમાં એકઠા થયા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં કેપ્ટન એમએસ ધોની તેની તૈયારીઓને મજબૂત કરવા માટે ટીમ સાથે જોડાયો હતો. CSKનું લક્ષ્ય તેની પાંચમી ટાઈટલ જીતવાની છે.

એમએસ ધોનીએ સોમવારે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ટીમ સાથે જોરદાર પ્રેક્ટિસ કરી હતી. ધોની નેટ પ્રેક્ટિસ દરમિયાન ફાસ્ટ બોલરો પર લાંબા શોટ મારતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો ચેન્નાઈ સુપર કિંગ્સના ઓફિશિયલ હેન્ડલ પરથી પણ રિલીઝ કરવામાં આવ્યો છે. BCCIએ હાલમાં જ મહારાષ્ટ્રમાં IPLની તમામ મેચો યોજવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં CSKએ તેનો બેઝ કેમ્પ ચેન્નાઈથી સુરત શિફ્ટ કર્યો. એવું કહેવાય છે કે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પીચ એ જ માટીની છે જેમાંથી વાનખેડે સ્ટેડિયમ સહિત અન્ય સ્થળોની પીચ બનાવવામાં આવી છે.