— ANTFની ટીમે ભાડાની દુકાનમાંથી રૂ.52 હજારથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ, મુંબઈનો સપ્લાયર વોન્ટેડ

અંકલેશ્વર શહેરમાં નશાકારક પદાર્થો અને પ્રતિબંધિત દવાઓનું ગેરકાયદે વેચાણ કરતા તત્વો સામે ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) સીઆઇડી ક્રાઇમ વડોદરા ઝોનની ટીમે મોટી કાર્યવાહી કરીને સફળતા મેળવી છે. મદીના મસ્જિદ પાસે આવેલ માર્કેટમાં ભાડાની દુકાન રાખીને ગેરકાયદેસર રીતે નશાકારક ઇન્જેક્શન વેચતા એક ઈસમની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વરની નવજીવન હોટલ નજીક આવેલી પ્રતીક્ષા રેસિડેન્સીમાં રહેતો સરફરાજ અહેમદ શમશાદ અહેમદ ખાન અંકલેશ્વરના પ્લોટ નંબર 2, મદીના મસ્જિદ પાણીની ટાંકી પાસે આવેલા અંસાર માર્કેટમાં ભાડાની દુકાન ધરાવતો હતો. આ દુકાનની ઓટમાં તે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પ્રતિબંધિત એવા નશાકારક પેન્ટાસોનિક લેકટેડ ઇન્જેક્શનનો ગેરકાયદે વેપલો કરતો હોવાની ચોક્કસ બાતમી ANTFની ટીમને મળી હતી.

બાતમીના આધારે ANTF ની ટીમે દરોડો પાડીને સરફરાજ ખાનને ઝડપી લીધો હતો. દુકાનમાંથી તલાશી દરમિયાન ડોક્ટરની સલાહ વગર વેચાતા કુલ 540 નંગ પેન્ટાસોનિક લેકટેડ ઇન્જેક્શન (કિંમત રૂપિયા 42,660) તથા એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 52,660 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી આ નશાકારક ઇન્જેક્શનનો જથ્થો મુંબઈ ખાતે રહેતા આશુતોષ પાંડેય નામના શખ્સ પાસેથી મેળવતો હતો. આ અંગે પોલીસે મુંબઈના આશુતોષ પાંડેયને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.