Connect Gujarat
શિક્ષણ

ભરૂચ : કે.જે.પોલીટેકનિક કોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરૂ નહીં થતાં NSUIનો વિરોધ..!

શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ નહીં કરાતા વિરોધ, કે.જે.પોલીટેકનિક કોલેજ ખાતે NSUIના કાર્યકરોનું પ્રદર્શન.

X

ગુજરાત સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ શાળા અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ નહીં કરાતા NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચની કે.જે.પોલીટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ માટે આવતા હોવા છતાં ઓનલાઈન શિક્ષણ અપાતા વિરોધનો સૂર ઉઠ્યો હતો.

કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા લેવાતો નિર્ણય હરહંમેશ વિદ્યાર્થી હિત વિરોધી હોય છે. ઉપરાંત વર્ષ 2015થી આજ સુધીમાં SSC, CGL, NEET, JEE તેમજ વિવિધ સરકારી ભરતીમાં અનેક ગોટાળા કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનાવ્યું હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ શાળા-કોલેજોમાં વાસ્તવિક ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે વાલીઓનું સંમતિ પત્રક હોવા છતાં ભરૂચની કે.જે.પોલીટેકનિક કોલેજમાં હજુ પણ ઓનલાઈન શિક્ષણ અપાતા NSUIના કાર્યકરોએ વિરોધ કર્યો હતો.

પોલિટેકનિક અભ્યાસક્રમમાં સૌથી આવશ્યક પ્રેક્ટિકલ અભ્યાસ છે. પરંતુ છેલ્લા 2 વર્ષમાં જરૂરી પ્રેક્ટિકલ અભ્યાસના વર્ગો લેવામાં આવ્યા નથી. જેથી કોલેજના સંચાલકોને વિદ્યાર્થીઓને વાસ્તવિક શિક્ષણ આપવામાં રસ નહીં હોવાનો NSUIએ આક્ષેપ કર્યો હતો, ત્યારે વિદ્યાર્થીઓને સાચું સચોટ અને વાસ્તવિક શિક્ષણ વહેલી તકે મળી રહે તેવી માંગ સાથે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Next Story