Connect Gujarat
શિક્ષણ

ભાવનગર: કોરોનાની રસીથી યુવતીનો કમરથી નીચેનો ભાગ ખોટો પડી ગયો છતાં પહોચી બોર્ડની પરીક્ષા આપવા

કોરોના મહામારીથી બચવા વેક્સિન લેતાં તેની ગંભીર આડઅસરનો ભોગ બનેલી વિદ્યાર્થીનીને કમ્મરથી પગ સુધીના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું

X

ભાવનગર શહેરમાં કોરોના મહામારીથી બચવા વેક્સિન લેતાં તેની ગંભીર આડઅસરનો ભોગ બનેલી વિદ્યાર્થીનીને કમ્મરથી પગ સુધીના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ ધોરણ 12ની વિદ્યાર્થીનીએ હિંમત હાર્યા વિના કપરી કસોટીનો અડગ બની સામનો કરવાનો દ્રઢ નિર્ધાર તેણીને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ ગયો હતો. ભાવનગર શહેરના નિર્મળનગરમાં રહેતી અને નંદકુંવરબા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ઈશીતા વ્યાસના બાલ્ય વયથી જ સપનાઓ ઉંચા હતાં. ભણીગણીને કેરીયર બનાવી ઘર-પરીવારનુ નામ રોશન કરવાનાં સોનેરી શમણાંઓ આ કન્યાએ જોયા હતા.

પરંતુ એને ક્યાં ખબર હતી કે, કુદરતે તેની અઘરી કસોટી માટે પસંદગી કરી છે. આજથી 2 વર્ષ પહેલાં શાળામાં કોવિડ વેક્સિનેશન કેમ્પ અંતર્ગત આ વિદ્યાર્થીનીએ એક સામાન્ય છાત્રાની માફક જ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. પરંતુ ઘરે પહોંચ્યા બાદ આ વિદ્યાર્થીનીને તાવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આ વેક્સિનની આડઅસર થયાનું નિદાન થતાં વિદ્યાર્થીનીના કમ્મરથી પગ સુધીના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું/ જોકે, વિદ્યાર્થીની તથા તેના પરીવારને સમગ્ર ગંભીરતાનો ખ્યાલ આવ્યો, આ દરમ્યાન બીજો આડ અસરનો હુમલો આંખ પર થતાં દ્રષ્ટિ પર ગંભીર અસર થઈ હતી.

આમ ગણતરીના દિવસોમાં દીકરી સંપૂર્ણપણે પથારીવશ થઈ જતાં થોડા સમય માટે તે નાસીપાસ થઈ હતી. પરંતુ મક્કમ નિર્ધાર અને કંઈક કરી છુટવાની જિદે જીદંગી તેની બદલી નાખી. દીકરી ઈશીતા વ્યાસ પથારીવશ હોવા છતાં પરીક્ષાની તૈયારીઓ કરી હતી. હાલમાં આ સગીરાની સારવાર ચાલી રહી છે, ત્યારે તબિબોએ આશાવાદ આપ્યો છે કે, આ યુવતી પહેલાં જેવી જ ઠીક થઈ જશે, પરંતુ સમય લાગશે. હાલમાં તે ધોરણ-12 આર્ટસની બોર્ડની પરીક્ષા આપી રહી છે. હાલવા-ચાલવા માટે અસમર્થ ઈશિતા એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર સુઈ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી હતી. આ વિદ્યાર્થીનીની ધગશ જોઈને પરીક્ષા કેન્દ્રના સુપરવાઈઝર તથા સંચાલકો ચકિત થયા હતા, અને તેનો ઉત્સાહ વધારી અભિનંદન આપ્યા હતા.

Next Story