CBSE સ્કિલ એક્સપો એન્ડ ગાઈડન્સ ફેસ્ટિવલનું આયોજન
SMCP સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ
એકમાત્ર AI આધારિત પ્રોજેક્ટ હસ્ત વાણી પસંદગી પામ્યો
પ્રાદેશિક સ્તરે ફક્ત 30 પ્રોજેક્ટ્સની જ કરાય છે પસંદગી
શાળા પરિવારને થયો ખૂબ ગૌરવની લાગણીનો અનુભવ
ભરૂચ જિલ્લાની એક માત્ર સ્કૂલ કે, જેના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ AI આધારિત પ્રોજેક્ટ “હસ્ત વાણી”ની CBSE સ્કિલ એક્સપો એન્ડ ગાઈડન્સ ફેસ્ટિવલ 2025-26 માટે પસંદગી કરવામાં આવતા સંસ્કાર ભારતીય ટ્રસ્ટ-ભરૂચ દ્વારા સંચાલિત SMCP સંસ્કાર વિદ્યાભવનનો શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.
સંસ્કાર ભારતીય ટ્રસ્ટ-ભરૂચ દ્વારા સંચાલિત SMCP સંસ્કાર વિદ્યાભવન દ્વારા તૈયાર કરાયેલ AI આધારિત પ્રોજેક્ટ “હસ્ત વાણી”ને CBSE સ્કિલ એક્સપો એન્ડ ગાઈડન્સ ફેસ્ટિવલ 2025-26 (પ્રાદેશિક સ્તર) માટે પસંદ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને દાદરા-નાગર હવેલી જેવા વિસ્તારોની અનેક CBSE શાળાઓમાંથી ફક્ત 30 પ્રોજેક્ટ્સની જ પસંદગી કરવામાં આવી છે, ત્યારે સંસ્કાર વિદ્યાભવન દ્વારા તૈયાર કરાયેલ “હસ્ત વાણી” પ્રોજેક્ટનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ફ્યુચર ઝોન હેઠળ અને હોમી લેબના માર્ગદર્શન હેઠળ વિકસિત થયેલ આ પ્રોજેક્ટ ધોરણ 9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી મોક્ષિત રણા અને વંશ સત્તાધિશ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. “હસ્ત વાણી” પ્રોજેક્ટમાં રિયલ ટાઈમ સાઈન લેન્ગ્વેજ ટૂ ટેક્સ્ટ ટ્રાન્સલેટર ગ્લોવ છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી સંકેત ભાષાને તત્કાળ લખાણમાં બદલવામાં સહાય કરે છે. આનાથી એવા વ્યક્તિઓને લાભ મળે છે, જેમણે સંવાદ માટે સંકેત ભાષાનો ઉપયોગ કરવો પડે છે. ખાસ કરીને અવાજભર્યા અથવા પ્રકાશની અછતવાળા વાતાવરણમાં આ પ્રોજેક્ટ સૌ માટે યોગ્ય સંવાદ, સશક્તિકરણ અને સમાનતા તરફ મહત્વપૂર્ણ પગલું છે.