દક્ષિણ સિનેમાના દિગ્ગજ અભિનેતા અને રાજકારણી વિજયકાંતનું ગુરૂવારે નિધન થયું છે. તેના ફેવરિટ સ્ટારના નિધનથી સમગ્ર સાઉથ સિનેમા શોકમાં ગરકાવ છે. મોટી સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. અભિનેતાને અન્ના સલાઈના આઇલેન્ડ ગ્રાઉન્ડ ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવશે, જ્યાં કેપ્ટનની અંતિમ યાત્રા દરમિયાન તેમના પ્રિય સ્ટારની અંતિમ ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો હાજર છે.
સાઉથના સુપરસ્ટાર વિજયકાંતને શ્વાસ લેવામાં તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ગુરુવારે સવારે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધનના સમાચારથી સિનેમા અને રાજકીય જગત શોકના મોજામાં ડૂબી ગયું હતું. શુક્રવારે દક્ષિણની ઘણી મોટી હસ્તીઓ અને સ્ટાર્સ વિજયકાંતના અંતિમ સંસ્કારમાં તેમના અંતિમ દર્શન કરવા આવ્યા હતા. રજનીકાંત, કમલ હસન સહિત ઘણા કલાકારોએ આંસુ ભરેલી આંખો સાથે વિજયકાંતને વિદાય આપી.
અભિનેતા વિજયકાંતની ફિલ્મી કારકિર્દી શાનદાર રહી હતી. તેણે એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી અને 150 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. આ પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમણે વર્ષ 2005માં DMDKની સ્થાપના કરી હતી. તેઓ વિરુધાચલમ અને ઋષિવંદિયમ સીટ પરથી ધારાસભ્ય પણ હતા.