અંકલેશ્વરની જીનવાલા સ્કૂલના પટાંગણ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત રવિવારના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં રેલી સહીત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આદિવાસી સમાજના મહાન નાયક, ક્રાંતિવીર અને ધરતી આબા તરીકે પૂજાતા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ‘જનજાતીય ગૌરવ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરની જીનવાલા સ્કૂલના પટાંગણ ખાતે આવતી કાલે રવિવારના રોજ સવારના નવ કલાકે રાજયના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતા હેઠળ રેલી સહીત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સવારના નવ કલાકે શિક્ષણ મંત્રી રેવાબા જાડેજા ભરૂચીનાકા સ્થિત ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરશે બાદ ત્યાંથી રેલી કાઢવામાં આવશે.
આ રેલી મુખ્ય માર્ગ પરથી પસાર થઇ જીનવાલા હાઈસ્કૂલના પટાંગણમાં યોજાનાર જાહેર સભા ખાતે પહોંચશે. બાદ જાહેરસભામાં શિક્ષણ મંત્રી રેવાબા જાડેજાના હસ્તે આદિવાસી સમાજના વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે ત્યારે આ કાર્યક્રમમાં પધારવા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
