ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 9 નવેમ્બર નાલસા સ્થાપના દિવસ અને દીપોત્સવના પર્વ નિમિત્તે કાનૂની શિબિર તેમજ વિવિધ યોજનોઓ અંગે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડીલોનું ઘર, જિલ્લા જેલ અને ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ ખાતે કાનૂની જાગૃતિ, શિક્ષણ શિબિર અને પ્રેમ-હૂંફ સાથે ઉજવણી કરી સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કસક સ્થિત વડીલોના ઘર ખાતે વિલાયત ઔદ્યોગિક મંડળના સહયોગથી વડીલો સાથે નાલસા સ્થાપના દિવસ ઉજવાયો હતો. અહીં વયોવૃદ્ધ અને નિસહાય વડીલોને વરિષ્ઠ નાગરિક યોજનાઓ, નિઃશુલ્ક કાનૂની સહાય અને સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે વડીલોને પ્રેમ અને હૂંફ આપવા સાથે જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરી ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાં વડીલોના ઘરના ટ્રસ્ટી કિશોર માંગરોલા, સહયોગ સંસ્થાના પ્રતીક મોદી અને નીતિન મોદી ઉપસ્થિત રહી સહયોગી બન્યા હતા.

ભરૂચ જિલ્લા જેલ ખાતે DLSAના માર્ગદર્શન હેઠળ અને પ્રયાસ સંસ્થાના સહયોગથી કેદી ભાઈઓ સાથે સ્થાપના દિવસ મનાવાયો હતો. જેલમાં બંદીવાનો અને તેમના પરિવારને મળતી મફત કાનૂની સેવાઓ તથા નાલસાની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. દીવાળીના પર્વ નિમિત્તે કેદીઓના જીવનમાં ઉમંગ અને આશાનું નવું કિરણ લાવી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરાયો હતો.

આ કાર્યક્રમમાં જેલ ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડ, DLSA તરફથી PLV દેવાંગ ગોહિલ તેમજ પ્રયાસ સંસ્થા તરફથી આશિષ બારોટ અને અનિલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ બંદીવાનોને દીપાવલીની શુભકામનાઓ પાઠવી હતી.

ભરૂચ ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ ખાતે વિશેષ કાનૂની અને શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વતી PLV રશ્મિકા વડગામા અને નીતા વડગામાએ ચિલ્ડ્રન હોમની બાળાઓને નાલસાની કાનૂની અને શિક્ષણ લગતી યોજનાઓની જાણકારી આપી હતી. જેમાં સંસ્થાની દીકરીઓ સાથે નાલસા સ્થાપના દિવસ નિમિત્તે રંગોળી બનાવી, દિવા પ્રગટાવી ઉત્સાહભેર દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.