સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે 50માં રાજ્ય કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
શિક્ષણ વિભાગ-ગુજરાત સરકાર, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- સુરેન્દ્રનગર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી- સુરેન્દ્રનગર અને બ્રહ્માનંદ વિદ્યાલય-ધ્રાંગધ્રાના સંયુક્ત ઉપક્રમે આયોજિત 50માં રાજ્ય કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે ખુલ્લુ મુકાયું હતું. આવા કાર્યક્રમો થકી બાળકોમાં વિચારવાની શક્તિ, સર્જન શક્તિ અને સંશોધન શક્તિ ખીલે છે અને વિકસિત થાય છે. આજે આપણો દેશ ગણિત, વિજ્ઞાનની સાથે સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યો છે, ત્યારે આ પ્રકારના પ્રદર્શન બાળકોમાં કૌશલ્યવર્ધન કરનારા તેમજ તેમની શક્તિઓ માટે એક સુંદર પ્લેટફોર્મ પૂરૂ પાડનારા બની રહ્યા છે. આ સાથે જ રમત-ગમત ક્ષેત્રે પણ સરકાર દ્વારા પ્રોત્સાહક પગલા લેવામાં આવ્યા છે. સંસદીય ક્ષેત્રમાં સંસદસભ્યની ગ્રાન્ટમાંથી 20 જેટલા જીમો ફાળવવામાં આવ્યા છે, અને જવાહર પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂ. 14 લાખના ખર્ચે રનિંગ ગ્રાઉન્ડનું નિર્માણ થઈ રહ્યું છે. જેના થકી જિલ્લામાં રમત ગમત માટેની સગવડોમાં સુધારો થશે અને ખેલ પ્રવૃત્તિઓને ઉત્તેજન મળશે. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રાના સંસ્થાપક રામકૃષ્ણદાસ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.