અમરેલીના રાજકારણમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી કોંગ્રેસના રાજકારણમાં સક્રિય રહીને અમરેલીના રાજકીય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવનાર પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું નિધન થયું છે.
અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું કેન્સરની બીમારીના કારણે નિધન થયું છે. માંદગી બાદ તેઓનું નિધન થતાં તેમના પરિવારજનો, સમર્થકો અને ચાહકોમાં ઘેરાશોકની લાગણી પ્રસરી જવા પામી છે. સદગત વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના દિગજ્જ નેતાઓ અંતિમ યાત્રામાં જોડાય શકે છે.
વીરજી ઠુમ્મર બીમાર હતા, અને પોતાના ગામમાં જ રહી સારવાર લઈ રહ્યા હતા. વીરજી ઠુમ્મરે રાજકીય ક્ષેત્ર ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ સેવા આપી હતી. કોંગ્રેસના સંગઠન અને સ્થાનિક રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા વીરજી ઠુમ્મરની આક્રમક રાજકીય શૈલીના કારણે તેમની અલગ ઓળખ ઊભી થઈ હતી. તેઓ અમરેલીના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા કોંગ્રેસના મહત્વના નેતાઓમાં એક હતા.
વર્ષ 2004થી 2009 દરમિયાન તેઓ અમરેલી લોકસભા બેઠક પરથી સાંસદ રહ્યા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમરેલી બેઠક પર વિજય મેળવ્યો હતો. ચૂંટણીમાં વિરજી ઠુમ્મરને 2,20,649 મત મળ્યા હતા, અને તેમણે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને 2,030 મતથી હરાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના આક્રમક નેતા તરીકે ઓળખ ધરાવતા વિરજી ઠુમ્મરના નિધનને પાર્ટી માટે મોટી ખોટ માનવામાં આવી રહી છે.
