રાજકોટના આજી ડેમ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા પિતા-પુત્રો સહિત ચાર લોકો ડૂબી જતા ત્રણના મોત નિપજ્યા છે. જ્યારે ડૂબી ગયેલ એક વ્યકિતની ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. મોગલ માતાજીના મંદિરે રિક્ષા લઈ દર્શન કરવા આવેલા ચારેય લોકો દર્શન કરી રિક્ષા ધોઈ રહ્યા હતા. આ સમયે રોહિત નામનો યુવાન મોઢુ ધોવા ડેમના કાંઠે જતા અકસ્માતે પાણીમાં ગરકાવ થયો હતો. બૂમાબૂમ થતા અન્ય ત્રણ લોકો પણ એક બાદ એક તેને બચાવવા ડેમમાં કૂદી પડ્યા હતા. ફાયરબ્રિગેડે ત્રણ લાશ બહાર કાઢી છે.  

rajkot aaji dam

મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના જિલ્લા ગાર્ડનની બાજુમાં સોરઠીયા પ્લોટ શેરી નંબર 7માં નવા ઘાંચી વાડ વિસ્તારમાં રહેતા ભરતભાઈ દેવજીભાઈ જાદવ (ઉં.વ.42) અને તેમના બે પુત્ર ધવલ, રોહિત તેમજ ભરતભાઇના સાળીના પુત્ર ધ્રુવ મકવાણા સાંજના 4 વાગ્યા આસપાસ ભરતભાઇની રિક્ષામાં આજીડેમ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા ડેમના પાણીથી રીક્ષા ધોવામાં આવી હતી. આ પછી રોહિત જાદવ હાથ મોઢું ધોવા માટે ડેમના કાંઠે ગયો હતો જ્યાં તેનો પગ લપસી જતા તેને બચાવવા તેનો ભાઈ ધવલ ગયો હતો જેનો પણ પગ લપસી જતા તે પણ ડૂબી ગયો હતો જેને બચાવવા તેનો માસિયાઇ ભાઈ ધ્રુવ અને પિતા ભરતભાઈ પણ કુદયા પરંતુ તેઓ પણ ડૂબી ગયા હતા.