‘શુદ્ધિકરણ’ ના નામે અમાનુષી અત્યાચાર

પ્રેમી સાથે ભાગેલી પરિણીતા પર દુષ્કર્મ

મહિલા તેના પ્રેમી સાથે ગુજાર્યો અમાનુષી અત્યાચાર

શર્મસાર ઘટનાનો વિડીયો પણ કર્યો વાયરલ

પોલીસે પતિ સહિત 9 આરોપીઓની કરી ધરપકડ

સુરેન્દ્રનગરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને પરત લાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું,આ ઘટનામાં પોલીસે પતિ સહિત 9 લોકોની ધરપકડ કરી હતી.

સુરેન્દ્રનગરમાંથી શુદ્ધિકરણના નામે એક મહિલા સાથે અત્યંત શરમજનક અને બર્બરતાપૂર્ણ અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે.મહિલા પોતાના પતિને છોડીને અન્ય પુરુષ સાથે રહેવા જતી રહી હતી. જેની અદાવત રાખીને પતિ અને તેના પરિવારજનોએ મહિલાને ઘરમાં પૂરી દીધી હતી. પરંતુ મહિલા તક મળતા ફરી ભાગી જતા, આરોપીઓએ તેનો પીછો કરીને મહિલા અને તે પુરુષ બંનેને પકડી લીધા હતા.

ત્યારબાદ આરોપીઓ શુદ્ધિકરણ વિધિ કરવાના બહાને બંનેને સુરેન્દ્રનગર લાવ્યા હતા. ત્યાં મહિલાને ઝાડ સાથે બાંધી, લાકડાના ધોકા અને લાતોથી નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, જે પુરુષ સાથે મહિલા ગઈ હતી તેની પાસે જ પતિ અને સંબંધીઓએ મહિલા પર દુષ્કર્મ કરાવ્યુ હતું.

આરોપીઓએ આ અમાનવીય કૃત્યનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી. એએસપી વેદિકા બિહાનીના નેતૃત્વમાં પોલીસે સામાજિક આગેવાનોની મદદથી પીડિતાને શોધી કાઢી હતી.

પોલીસે આ કેસમાં અપહરણ, ગોંધી રાખવા, દુષ્કર્મ અને શારીરિક ઈજા પહોંચાડવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ગુનાનો વીડિયો બનાવવા અને મદદ કરવા બદલ બે મહિલા ભોગ બનનારનો પતિ સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ તમામ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.