અરુણ ગોવિલ 1980ના દાયકામાં રામાનંદ સાગરની ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવીને ઘરે-ઘરે જાણીતા બન્યા હતા. લોકો આજે પણ તેમને તે ભૂમિકા માટે યાદ કરે છે, અને ઘણા લોકો તેમનામાં ભગવાન રામની દિવ્ય છબી જુએ છે.

જોકે, આ અભિનેતા ટૂંક સમયમાં જ નિતેશ તિવારીની આગામી ‘રામાયણ’માં રામના પિતા ‘દશરથ’ની ભૂમિકામાં જોવા મળશે, જેમાં રણબીર કપૂર રામની ભૂમિકા ભજવી રહ્યા છે. તાજેતરમાં, નિર્માતાઓએ રાજા દશરથ તરીકે અરુણ ગોવિલનું એક વિશેષ પોસ્ટર રિલીઝ કર્યું છે, જે આ દિગ્ગજ અભિનેતાની કારકિર્દીમાં એક નવો અધ્યાય દર્શાવે છે. પોસ્ટરમાં તેઓ રાજસી ઠાઠમાઠ સાથે સિંહાસન પર બિરાજમાન જોવા મળે છે.

આ પોસ્ટર દિગ્ગજ અભિનેતા અને આ મહાકાવ્ય ગાથા વચ્ચેના ઊંડા જોડાણને ઉજાગર કરે છે, કારણ કે તેમણે રામાનંદ સાગરની મૂળ શ્રેણીમાં ભગવાન રામના પાત્રને અમર બનાવ્યું હતું. પોસ્ટર શેર કરતી વખતે નિર્માતાઓએ કેપ્શનમાં લખ્યું: “તેમણે એક પેઢી માટે રામના પાત્રને જીવંત કર્યું હતું. હવે, તેઓ અયોધ્યાના રાજા તરીકે ‘રામાયણ’ની દુનિયામાં પાછા ફરી રહ્યા છે.

રાજા દશરથના રૂપમાં અરુણ ગોવિલ.” આ જાહેરાત એવા દર્શકો માટે એક રસપ્રદ બદલાવ છે, જેમણે તેમને રામ તરીકે જોતા જોતા બાળપણ વિતાવ્યું હતું; તેઓ હવે તે જ પાત્રના પિતાની ભૂમિકામાં પ્રવેશી રહ્યા છે. જેને તેમણે પોતે આઈકોનિક (વિશેષ ઓળખ અપાવનારું) બનાવ્યું હતું.

નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ તરીકે, સાઈ પલ્લવી સીતા તરીકે, ‘રોકિંગ સ્ટાર’ યશ રાવણ તરીકે, સની દેઓલ હનુમાન તરીકે અને રવિ દુબે લક્ષ્મણ તરીકે જોવા મળશે. નમિત મલ્હોત્રાના ‘પ્રાઇમ ફોકસ સ્ટુડિયો’ દ્વારા 8 વખત ઓસ્કાર જીતનારી કંપની ‘DNEG’ અને યશની ‘મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ’ના સહયોગથી નિર્મિત આ ફિલ્મ 2 ભાગમાં રિલીઝ થશે. તેનો પ્રથમ ભાગ આ વર્ષે દિવાળી પર રિલીઝ કરવામાં આવશે.