ગાંધીનગર : કોરોના બાદ હવે મ્યુકોમયરોસીસનો કહેર, રાજ્ય સરકારે રોગચાળાને અનુલક્ષી ભર્યા વિવિધ પગલાં

ગુજરાતમાં મિનિ લોકડાઉન વધુ એક સપ્તાહ લંબાવાયું; રાજ્ય સરકારનો નિર્ણય
New Update

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી દર્દીઓમાં મ્યુકોમાયરોસીસના વધી રહેલા વ્યાપ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા અને વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ.કે દાસ આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવી સહિત વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રી એ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને આ રોગના નિયંત્રણ અને સારવાર  માટે સંપૂર્ણ તકેદારી અને સજજતાથી સારવાર વ્યવસ્થાઓ તાકીદે ઊભી કરવા બેઠકમાં સૂચનાઓ આપી હતી.

રાજ્યમાં વધતા જતા મ્યુકોમાયરોસીસ રોગના નિયંત્રણ તેમજ આ રોગથી સંક્રમિત થનારા દર્દીઓની સારવાર માટે મુખ્ય મંત્રીએ આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.

મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયો અનુસાર મ્યુકોમાયરોસીસ રોગ વધુ ફેલાતો અટકાવવા અને જેમને આ રોગની અસર થઈ છે. તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરે છે.

રાજ્ય સરકારે બધી સિવીલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

મ્યુકોમાયરોસિસ ની સારવાર માટે રૂ. ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા ઓર્ડર  આપી દેવાયો છે.સમગ્ર રાજ્યમાં મ્યુકોમાયરોસીસના  આવા ૧૦૦થી વધુ જેટલા કેસો નોંધાયા છે.અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં મ્યુકોમાયરોસિસ ના સંક્રમિતોની સારવાર માટે ૬૦-૬૦ બેડ સાથેના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે અને ૧૯ જેટલા દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.મુખ્યમંત્રીએ આ રોગ નો વ્યાપ વધે નહિ તે માટે આરોગ્ય તંત્ર  શહેરી અને જિલ્લા  સ્તરે  વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી હતી.

જવલ્લે જ જોવા મળતો મ્યુકરમાઈકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે.મ્યુકરમાઈકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકરમાઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકરમાઈકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.

હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ,  કેન્સર , ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકરમાઈકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.

મ્યુકરમાકોસિસ ફૂગ શરીરના કયા ભાગમાં પ્રસરી રહી છે તેના પર આ રોગના લક્ષણો નિર્ભર છે.આ રોગ ના લક્ષણોમાં મુખ્યત્વેએક બાજુનો ચહેરો સોજી જવો માથાનો દુખાવો

નાક બંધ થવું કે સાઇનસની તકલીફ

મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો

આંખમાં દુખાવો,દ્રષ્ટિ ઓછી થવી

તાવ,કફ ,છાતીમાં દુખાવો

શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો

ઉબકા આવવા કે ઉલટી થવી

આંતરડામાં રક્તસ્ત્રાવ થવો ,જેવા લક્ષણો જોવા મળે છે.

મ્યુકરમાઈકોસિસથી બચવા N95 માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે.

મ્યુકરમાઈકોસિસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે. મ્યુકરમાઈકોસિસની સારવાર  માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દુર કરવા પડે છે. મુખ્યમંત્રીએ આ મ્યુકોમાયરોસિસ રોગની અસર તેમજ સારવાર માર્ગદર્શન રાજ્યના  વરિષ્ઠ તજજ્ઞ તબીબો દ્વારા લોકોને મળી રહે તેવી વ્યવસ્થાઓ માટે પણ આરોગ્ય વિભાગ ને સૂચવ્યું હતું.

#Connect Gujarat #government #Gandhinagar #epidemic #After Corona #Mucomyrosis #rampant #various measures
Here are a few more articles:
Read the Next Article