ગુજરાત દેશનું સૌથી મોટું એક્સપોર્ટ હબ બન્યું
નાણાકીય વર્ષ 2025-26માં ગુજરાતે નિકાસ ક્ષેત્રે નવો ઈતિહાસ રચ્યો
110 બિલિયન ડોલરનું યોગદાન આપી પ્રથમ સ્થાન મેળવ્યું
ગુજરાતી બ્રાન્ડ્સે વૈશ્વિક બજારમાં પોતાની આગવી છાપ છોડી
‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કર્યું
વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ગુજરાતે અવિરત પ્રગતિનો માર્ગ અપનાવ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં દેશની કુલ 863 બિલિયન ડોલરની રેકોર્ડબ્રેક નિકાસમાં એકલા ગુજરાતે 110 બિલિયન ડોલરનું યોગદાન આપી પ્રથમ સ્થાન મેળવ્યું છે.
નાણાકીય વર્ષ 2025-26માં ગુજરાતે નિકાસ ક્ષેત્રે નવો ઇતિહાસ રચીને દેશમાં પ્રથમ સ્થાન સર કર્યું છે. એન્જિનિયરિંગ સાધનો, ગુણવત્તાયુક્ત દવાઓ, પેટ્રોકેમિકલ્સ અને હીરા-ઝવેરાત જેવા ઉત્પાદનો થકી ગુજરાતી બ્રાન્ડ્સે વૈશ્વિક બજારમાં પોતાની આગવી છાપ છોડી છે.
આ ઐતિહાસિક સફળતા પાછળ રાજ્યનું સુદ્રઢ માળખું અને દૂરંદેશી નીતિઓ રહેલી છે. અત્યાધુનિક બંદરો, ઓછો લોજિસ્ટિક્સ ખર્ચ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મજબૂત નેટવર્કે સ્થાનિક ઉદ્યોગકારો માટે વિશ્વના દરવાજા ખોલી આપ્યા છે. સરળ સરકારી પ્રક્રિયાઓ અને સાનુકૂળ વાતાવરણને કારણે નાના વેપારીઓ પણ વૈશ્વિક સ્તરે વેપારનો વિસ્તાર કરી રહ્યા છે.
પરંપરાગત ઓળખથી આગળ વધીને ગુજરાત હવે સેમિકન્ડક્ટર, હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ અને ફાઇનાન્શિયલ સેવાઓના ક્ષેત્રે પણ વિશ્વભરના રોકાણકારો માટે પ્રથમ પસંદગી બની રહ્યું છે. ઉત્તમ કનેક્ટિવિટી અને વિશ્વસ્તરીય પોર્ટ સિસ્ટમના બળે ગુજરાત આજે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવામાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે.
