/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/03124024/maxresdefault-32.jpg)
ગીર સોમનાથમાં ગીરની સરહદ નજીક પોલીસની ટીમે દરોડા પાડી 11 જેટલી ગેરકાયદેસર ચાલતી ખાણો પકડી પાડતા હડકંપ મચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી અહીંના વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાની જિલ્લા પોલીસ વડાને બાતમી મળતા પોલીસ કાફલા સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાની આસપાસ ઘણી પથ્થરની ખાણો આવેલ છે. જ્યાથી લાઇમ સ્ટોન સપ્લાય કરવામાં આવે છે. તો સાથે જ મોટાપાયે ગેરકાયદેસર લાઇમ સ્ટોન પણ કાઢવામાં આવે છે. અહીના અનેક વિસ્તાર ઇકો સેન્સેટિવ ઝોનમાં આવે છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી અહીંના વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાની જિલ્લા પોલીસ વડા ૐ પ્રકાશ જાટને બાતમી મળતા પોલીસ કાફલા સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસે 11 જેટલી ગેરકાયદેસર ચાલતી ખાણો ઝડપી પાડી હતી.
જોકે પોલીસ તપાસમાં તાલાલા તાલુકાના ઘટવાડ અને જામવાળાની આસપાસ ગોચરની જમીન પર ગેરકાયદેસર ખનીજનું ખનન ચાલતું હોવાનું બહાર આવ્યું છે. મોડી રાત્રે શરૂ થયેલ ઓપરેશન વહેલી સવાર સુધી ચાલ્યું હતું. જેમાં પોલીસે 27 કટર મશીન, 7 જનરેટર અને 5 ટ્રેક્ટર સહીત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે ગેરકાયદેસર ખનન છેલ્લા ઘણા સમયથી ચાલતું હોવાની આશંકા હોવાથી પોલીસે સમગ્ર મામલે અલગ અલગ ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.