નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ સુધારા બીલ સંબંધે ચાલી રહેલી ચર્ચાના અનુસંધાનમાં જણાવ્યું છે કે આ ચર્ચાનો અંત આવી શકે તેમ નથી, કારણ કે ચર્ચા કાયદાના ગુણદોષ સંબંધે નથી. તેમણે કહ્યું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ સંબંધી કાયદાને મુદ્દે વિરોધપક્ષ સહિત તમામ પક્ષકારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિરોધપક્ષ પર પ્રહાર કરતાં નાણામંત્રીએ જણાવ્યું કે આ રાજકીય પક્ષો નુકસાન પહોંચાડવાનું કામ કરી રહી છે. કોંગ્રેસ મુદ્દાથી ધ્યાન હટાવવા પ્રયાસ કરી રહી હોવાના આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ આ કાયદો બની જતાં લઘુત્તમ ટેકાને ભાવે ખરીદી બંધ થવાનું કહીને તેમ જ સરકારી ખરીદીમાં અવરોધો સર્જાશે એમ કહીને દુષ્પ્રચાર કરી રહ્યો છે.
નિર્મલા સીતારમણે આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષે બીજા અને ત્રીજા ક્વાટરમાં અર્થવ્યવસ્થાની સ્થિતી સુધરવા લાગશે. આ વર્ષે પ્રથમ ત્રિમાસ દરમિયાન કોવિડ-19 ને કારણે અમલી બનેલા લોકડાઉનને પગલે અર્થવ્યવસ્થામાં વિક્રમજનક 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નાણામંત્રીએ જણાવ્યું કે જરૂર જણાયે સરકાર બીજા રાહત પેકેજની જાહેરાત પણ કરી શકે છે.