GST એટલે ગબ્બરસિંહ ટેક્સથી વેપાર, ઉદ્યોગ અને ગરીબોની કમર ભાંગી : રાહુલ ગાંધી

New Update
GST એટલે ગબ્બરસિંહ ટેક્સથી વેપાર, ઉદ્યોગ અને ગરીબોની કમર ભાંગી : રાહુલ ગાંધી

ભરૂચ જિલ્લામાં યાત્રાની શરૂઆત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જંબુસર થી કરી હતી, અને તેઓની નવસર્જન યાત્રા સાંજનાં સમયે અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી. વાલિયા ચોકડી નજીક આવેલ જયાબેન મોદી હોસ્પિટલની બાજુમાં આવેલ મેદાનમાં જાહેરસભાને સંબોધન કર્યુ હતુ. અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન કરીને જણાવ્યુ હતુ કે તેઓએ દેશનાં દરેક રાજ્યમાં ગયા છે, પરંતુ પ્રથમ વખત એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં જનતામાં ખુશી નથી લાગતી. અને ગુજરાતમાં ફક્ત મોટા ઉદ્યોગપતિઓ જ ખુશ હોવાનું જણાવ્યુ હતુ.

વધુમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે મોદીએ ટાટા નેનો માટે 33000 કરોડની લોન ફ્રી આપી, આટલામાં ગુજરાતનાં ખેડૂતોનાં દેવા માફ કરી શકયા હોત.ગુજરાતમાં ખેડૂતોની કફોડી બની છે. મેક ઈન ઇન્ડિયામાં કોઈ પ્રોડક્ટ મેડ ઈન ગુજરાત કે મેડ ઈન ઇન્ડિયા નથી દરેક મેડ ઈન ચાઈના છે.

વધુમાં રાહુલ ગાંધીએ GST અંગે પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા, અને જણાવ્યુ હતુ કે GST કોંગ્રેસ પાર્ટીનો વિચાર હતો. અને કોંગ્રેસની સરકારે એકજ ટેક્સ રાખ્યો હતો, અને 18 ટકા થી વધારે નહોતો. જ્યારે મોદી સરકારે GST ઉતાવળે અમલ કરતા દેશને નુકશાન કર્યું છે.જ્યારે દેશમાં GST નહિ પરંતુ ગબ્બરસિંહ ટેક્સ છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે નાણાંમંત્રી અરુણ જેટલી કહે છે કે વિદેશી સંસ્થાઓ કહે છે ભારતમાં બિઝનેશ કરવો સરળ છે, પરંતુ GST અને નોટબંધી બાદ વેપાર કરવો પણ મુશ્કેલ રૂપ બની ગયું છે.

અમિત શાહનાં પુત્ર જય શાહને પણ રાહુલ ગાંધીએ આંટીમાં લીધો હતો.અને શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે જય શાહનો ધંધો 50000 થી સીધો 80 કરોડ સુધી પહોંચી ગયો પણ મોદીજી આ બાબતે ચૂપ છે, મોદીજી કહે છે કે તેઓ ચોકીદાર છે પરંતુ હવે ચોકીદાર નહિં પણ ભાગીદાર હોવાનું લાગી રહ્યુ છે.

ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના MOU થાય છે પરંતુ તેમાં કેટલા સફળ થયા તે ક્યારેય સરકાર જણાવતી નથી, ખેડૂતોની અમૂલ્ય જમીન ઉદ્યોગોને આપી દીધી જેમાંથી કેટલીક જમીન તો હજી પણ ઉપયોગ વગરની જ પડી છે.

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતો, ગરીબો,નાના વેપારીઓ અને જનતાને સાથે રાખીને કોંગ્રેસ ચાલશે.

આ પ્રસંગે રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલ, પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, અલ્પેશ ઠાકોર સહિતનાં કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories