અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે 2006ની સાલમાં પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ટેલિફોન બુથમાં બોમ્બ મુકવાના કેસમાં નાસતા ફરતા આરોપીને ગુજરાત એટીએસ પુનાથી દબોચી લીધો છે. આંતકી મોહસીને ભરૂચના કંથારીયા ખાતે આવેલી મદ્રેશામાં અભ્યાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે.
કાલુપુર રેલ્વે સ્ટેશન પર 2006માં બોમ્બ ધડાકા કરવાનો પ્રયાસ થયો હતો અને તેમાં મોહસીન પુનાવાલા નામનો આંતકવાદી નાસતો ફરતો હતો. દરમિયાન ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે આરોપી પુનાના હડપસર ખાતે છુપાયેલ છે. લશ્કરે તોઇબાના અસલમ કાશ્મીરી તથા બશીર કાશ્મીરીએ ભરૂચના કંથારીયા અને સુરતના તડકેશવરની મદ્રાસામાં અભ્યાસ કરતાં યુવાનોને આંતકવાદી બનાવવાની તથા તેમણે તાલીમ માટે પાકિસ્તાન મોકલવાનું કાવતરું ઘડી નાખ્યું હતું. આંતકવાદીઓની મદદથી અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશન પર તારીખ 19મી ફેબ્રુઆરી 2006ના રોજ બોમ્બ ધડાકા થયા હતા. આ કેસમાં સંડોવાયેલો મોહસીન અબ્બાસ સૈયદ મોહમ્મદવાડી ખાતે છુપાયેલો હોવાની માહિતી ગુજરાત એટીએસની ટીમને મળી હતી.
આરોપી પોતાનુ ઘરનુ સરનામુ બદલી નાખેલ અને બહાર આવવાનું સતત ટાળતો હતો. ઘરની નજીક મદ્રાસામાં બાળકોને ભણાવવાનુ કામ કરતો હતો. આરોપી સન 2006 માં ભરુચ નજીક આવેલા કંથારીયા ખાતે આવેલી મદ્રાસામાં ભણતો હોવાની વિગતો સપાટી પર આવી છે. મોહસીન અને ઇરફાન કોલ્હાપરુવાલા સહિતના યુવાનોને તાલીમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. મોહસીને પાકિસ્તાનમાં જઈને ટ્રેનિંગ લીધી હતી.
આ બ્લાસ્ટ કેસમાં તાજેતરમાં એક આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયો હતો. જેને બાંગ્લાદેશમાં કોઈ મદદ મળી હોવાનું પણ બહાર આવ્યું હતું. ફેબ્રુઆરી 2006માં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આરોપી અબ્દુલ રઝાક ગાઝીની ગુજરાત ATSની ટીમે પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી હતી. આરોપીએ આતંકવાદીઓને બાંગ્લાદેશ બોર્ડરથી પાકિસ્તાન ભાગી જવામાં મદદ અને આશરો આપ્યો હતો. મહંમદ અસલમ ઇર્ફે અસલમ કશ્મીરીએ ગુજરાત અને મહારાષ્ટ્રના યુવાનોને પાકિસ્તાન અને PoKમાં તાલીમ માટે મોકલી આપ્યા હતા. જેમાં અબુ ઝુંડાલ અને ઝુલ્ફીકાર કાગઝીએ કાલુપુરમાં બ્લાસ્ટ કર્યો હતો. બંને આરોપીઓને બાંગ્લાદેશ બોર્ડરથી પાકિસ્તાન ભાગી જવામાં અબ્દુલ રઝાકે મદદ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપી ઝડપાયા છે જ્યારે 12 હજી ફરાર છે.