ગુજરાતમાં અંગ્રેજોએ બનાવેલો આ બ્રિજ 140 વર્ષે પણ “ગોલ્ડન”, વાંચો કયાં આવેલો છે આ બ્રિજ

New Update
ગુજરાતમાં અંગ્રેજોએ બનાવેલો આ બ્રિજ 140 વર્ષે પણ “ગોલ્ડન”, વાંચો કયાં આવેલો છે આ બ્રિજ

ભરૂચની નર્મદા નદી પર હાલ અનેક બ્રિજ આવેલાં છે પણ તેમાં સૌથી વિશેષ છે ગોલ્ડનબ્રિજ.. તારીખ 16મી મે 1881ના રોજ આ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આજે 140 વર્ષ બાદ પણ આ બ્રિજ અડીખમ ઉભો રહયો છે…….

નર્મદા નદી પર હાલ અનેક બ્રિજો બની ચુકયાં છે જયારે અનેકનું નિર્માણ કાર્ય ચાલી રહયું છે. ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં જુનો અને નવો સરદાર બ્રિજ, કેબલ સ્ટેઇડ બ્રિજ અને રેલવેનો સિલ્વર બ્રિજ બની ચુકયાં છે. જયારે ગોલ્ડનબ્રિજને સમાંતર નર્મદા મૈયા બ્રિજની કામગીરી લગભગ પુર્ણતાના આરે છે. કોઇ પણ પુલના નિર્માણ સમયે તેની આવરદા સરેરાશ 100 વર્ષની નકકી કરવામાં આવતી હોય છે પણ ભરૂચનો ગોલ્ડનબ્રિજ 140 વર્ષ બાદ પણ અડીખમ ઉભો રહયો છે. નર્મદા નદીમાં આવતાં પુર પણ પુલના પિલર હલાવી શકતાં નથી. અંગ્રેજ શાસનમાં આ પુલનું નિર્માણ કરાયું હતું.

publive-image

આ પુલ ૭ ડિસેમ્બર ૧૮૭૭થી રોજ સર જોન હોક્શોની રુપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત થયેલી અને ૧૬ મે ૧૮૮૧ને દિવસે તે બનીને તૈયાર થઇ ગયો હતો. પુલ બનાવવાનો કુલ ખર્ચ 45.65 લાખ રૂપિયા થયો હતો. આ પુલની વિશેષતા એ છે કે તેમાં રીવેટેડ જોઇન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અપુરતી જાળવણીના કારણે બ્રિજમાં રહેલું લોખંડ હવે કટાવા લાગ્યું છે. આ બ્રિજ પર હાલ નાના વાહનોને પસાર થવા દેવામાં આવે છે. આ બ્રિજ એકદમ સાંકડો હોવાથી છાશવારે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. ઈ.સ. ૧૮૬૦માં રેલના પાટા નાખવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે આ પુલ બાંધવાની યોજના પણ શરૂ થઈ હતી. ૧૮૬૩માં નર્મદા નદીમાં આવેલ ભયંકર પુરથી પુલના છ ગાળા ખેંચાઈ ગયા હતા. ફરીથી બનાવેલા આ ગાળાઓમાંથી ચાર જ વર્ષ પછી ૧૮૬૮ના ઓગસ્ટ મહિનામાં પુનઃ ભયંકર પૂર આવવાથી ચાર ગાળાઓને નુકશાન થયું. આથી આ પુલની સાથે બીજો એક પુલ બાંધવામાં આવ્યો. તેનું બાંધકામ ૧૮૭૧માં પૂર્ણ થયું હતું.

publive-image

૧૮૬૦થી ૧૮૭૧ સુધીમાં આ પુલ પાછળ રૂ. 46.93 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. નર્મદા નદીમાં આવતાં પુરના કારણે પિલરો તુટી જતાં હોવાથી નવા મજબુત બ્રિજની જરૂરીયાત ઉભી થઇ હતી. વાહન વ્યવહાર ચાલુ રાખવા માટે બીજો હંગામી પુલ રૂપિયા 1.50 લાખ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો. ૧૮૭૭ના ડિસેમ્બરની ૭મી તારીખથી બીજો મજબુત પુલ બાંધવાનો પ્રારંભ કરાયો. જે 1881ની સાલમાં બનીને તૈયાર થયો હતો. ગોલ્ડનબ્રિજ પાછળ આશરે રૂ. ૩ કરોડ ૭ લાખને ૫૦ હજારનો ખર્ચ થયો હતો. જૂનો પુલ સ્થિર કરવા પાછળ એ જમાનામાં જે ખર્ચ થતો રહ્યો તે સોનાનો પુલ બાંધ્યો હોય ને થયો એટલો બધો ખર્ચ આની પાછળ થયો હોવાથી આ પુલ "સોનાનો પુલ" એટલે કે ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખાય છે.

ગોલ્ડનબ્રિજને બચાવવા ભરૂચની પ્રજાએ આંદોલન કર્યા હતાં. બીજા વિશ્વયુદ્ધ વખતે જૂનો પુલ તોડી એના લોખંડની સારી એવી કિંમત ઉપજી જાય તેમ હતી. પરંતુ દક્ષિણ ગુજરાતને વાહન વ્યવહાર દ્વારા જોડનારો આ સાંકળરૂપ પુલ સિવાય બીજો કોઈ માર્ગ ન હોવાથી જિલ્લા લોકલ બોર્ડે અને ભરૂચ જિલ્લાની પ્રજાએ સભાઓ બોલાવી ભારે રજુઆતો કરી આ પુલ 'સ્ક્રેપ અપ' થતા અટકાવ્યો હતો.

Latest Stories