કેન્દ્ર સરકારે બહાર પાડેલાં નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલાં આંદોલન વેળા મંગળવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.બંધના એલાનને કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ તેમજ વિવિધ સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે. ભારત બંધના એલાનને ધ્યાનમાં રાખી રાજયમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. શહેરી વિસ્તારોમાં અમુક વેપારીઓએ પોતાની દુકાનો સ્વયંભુ બંધ રાખી હતી જયારે જે દુકાનો ખુલી હતી તેને બંધ કરાવવા માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો નીકળ્યાં હતાં. બંધના પગલે સમગ્ર રાજયને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. ભરૂચ, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં કોંગી કાર્યકરોએ રસ્તાઓ પર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. આખો દિવસ પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે પકડદાવ ચાલ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. વહેલી સવારથી જ પોલીસ કાફલો કોંગી આગેવાનોના નિવાસે પહોંચી ગયો હતો અને તેમને ડીટેઇન કરી લીધાં હતાં. નેતાઓને ડીટેઇન કરી નજીકના પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યાં હતાં. ભારત બંધના એલાનના કારણે જનજીવન પર અસર જોવા મળી હતી.
ગુજરાત : બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસ મેદાનમાં, નેતાઓની પોલીસે કરી અટકાયત
New Update
Latest Stories