રાજ્યમાં આજે ગમખ્વાર અકસ્માતની 2 ઘટના સામે આવી છે. જેમાં 10 લોકોના મોત થયા છે. દાહોદમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થતા 6 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર અથડાતાં 4 લોકો મોતને ભેટ્યા છે.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ તળાવ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગત મુજબ રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી, ત્યારે રિક્ષામાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે, જ્યારે રીક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા, જ્યારે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. રાજકોટથી મજૂરી કરી પરત ઘરે આવતા એક જ પરિવારની 1 મહિલા, 1 બાળક અને 4 પુરુષ મળી કુલ 6 લોકોના મોત થયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
તો બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઝામર ગામ નજીક આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સદાદ ગામનો પરિવાર પલાસા ખાતે મંદિરે બાધા પુરી કરવા જતાં સમયે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, તેમજ કેટલાક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. બનાવની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા, અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતે 4 લોકોના મોત નિપજતા લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કારવાહી હાથ ધરી હતી.