Connect Gujarat
ગુજરાત

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા 45માં હૃદય અને ફેફસાના દાનની 15મી ઘટના, 7 લોકોને મળ્યું નવજીવન...

17 માર્ચના રોજ ન્યુરોસર્જન ડૉ. મૌલીક પટેલ, ફીઝીશયન ડૉ. રાજેશ રામાણી, કાર્ડિયોલોજીસ્ટ ડો. રીતેશ વેકરીયા અને મેડીકલ ઓફિસર ડૉ. દક્ષા કટારીયાએ શૈશવને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા 45માં હૃદય અને ફેફસાના દાનની 15મી ઘટના, 7 લોકોને મળ્યું નવજીવન...
X

હિંદુ તળપદા કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ શૈશવ ગીરીશભાઈ પટેલ ઉ.વ 24ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 7 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે, ત્યારે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોસંબાના રહેવાસી 22 વર્ષીય યુવકમાં સુરતની મહાવીર હોસ્પીટલમાં, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 40 વર્ષીય મહિલામાં અમદાવાદની K.D હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં કરવામાં આવ્યું, જયારે બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે. હૃદય સુરતની મહાવીર હોસ્પિટલ, ફેફસા, લિવર અને કિડની સમયસર અમદાવાદની K.D હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ પહોચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ઘટના એવી છે કે, મોટું ફળીયું મુ.પો હજાત, તા. અંકલેશ્વર. જી. ભરૂચ. ખાતે રહેતો મીકેનીકલ એન્જીનીયર શૈશવ ઉ.વ 24 ખેતીવાડી કરતો હતો. 13 માર્ચના રોજ રાત્રે 8.30 કલાકે પોતાની બુલેટ પર સુણેવ ગામથી પોતાના ગામ હજાત જઈ રહ્યો હતો, ત્યારે તરીયા બસ સ્ટેન્ડ, સાજોદ પાસે તેનું બુલેટ સ્લીપ થઇ જતા, તે બુલેટ પરથી નીચે પડી ગયો હતો, અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો.

પરિવારજનોએ તેને તાત્કાલિક અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પીટલમાં દાખલ કર્યો હતો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમા સોજો હોવાનું નિદાન થયુ હતું. પરિવારજનોએ તેને વધુ સારવાર માટે રાત્રે 11.30 કલાકે સુરતમાંઆવેલ એઈમ્સ્ સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. હિતેશ ચિત્રોડાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામા આવી. મગજમાં સોજો વધુ હોવાથી ડોક્ટર દ્વારા ઓપરેશન માટે સલાહ આપવામાં આવી હતી પરંતુ ઓપરેશન પહેલા જ સારવાર દરમિયાન 15 માર્ચના રોજ રાત્રે 2.00 કલાકે શૈશવનું હૃદય બંધ થઇ જતા એને CPR (હૃદય મસાજ) આપીને હૃદયને પાછુ ધબકતું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની તબિયત બગડતા તા. 17 માર્ચના રોજ ન્યુરોસર્જન ડૉ. મૌલીક પટેલ, ફીઝીશયન ડૉ. રાજેશ રામાણી, કાર્ડિયોલોજીસ્ટ ડો. રીતેશ વેકરીયા અને મેડીકલ ઓફિસર ડૉ. દક્ષા કટારીયાએ શૈશવને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.

વાલીયાના પોલીસ ઇન્સ્પેકટર કરણસિંહ ચુડાસમા અને શૈશવની બહેન નિધીએ ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી શૈશવના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી ઓર્ગન ડોનેશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી શૈશવના પિતા ગીરીશભાઈ, માતા મનીષાબેન, બહેન નિધી તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવતા જણાવ્યું કે, શૈશવ ક્લીનીકલી બ્રેઈનડેડ છે. પરંતુ બ્રેઈનડેડ જાહેર કરવા માટે હોસ્પીટલની બ્રેઈન સ્ટેમ ડેથ ડીકલેરેશન કમિટી દ્વારા એપ્નીયા ટેસ્ટ કરી જે તે દર્દીને બ્રેઈનડેડ જાહેર કરેલો હોવો જોઈએ. પરંતુ શૈશવના ઇલેક્ટ્રોલાઈટસ નોર્મલ ન હોવાના કારણે એપ્નિયા ટેસ્ટ થઇ શકતો નથી. ઇલેક્ટ્રોલાઈટસ નોર્મલ થાય ત્યારબાદ તેના બંને એપ્નીયા ટેસ્ટ પોઝીટીવ આવે ત્યાર પછી જ અંગદાન થઇ શકે, ત્યારે શૈશવના માતા મનીષાબેને પોતાના હૃદય પર પત્થર મુકીને રડતા રડતા જણાવ્યું કે, અમારો દિકરો કલીનીકલી બ્રેઈનડેડ છે, ત્યારે તેના બધા જ રીપોર્ટ નોર્મલ થયા પછી, બ્રેઈનડેડ જાહેર કરવા માટેના જે જરૂરી ટેસ્ટ હોઈ તે ટેસ્ટ કરાવીને જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવજો.

શરીર રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેના અંગદાનથી કોઈકના લાડકવાયાને નવું જીવન મળશે. શૈશવના ઇલેક્ટ્રોલાઈટસ નોર્મલ થયા પછી તેના બંને એપ્નિયા ટેસ્ટ પોઝીટીવ આવતા અંગદાન માટેની સંમતી આપવામાં આવી. સલામ છે શૈશવના પિતા ગીરીશભાઈ, માતા મનીષાબેન, અને બહેન નિધીને અંગદાનની સંમતી આપવા બદલ. શૈશવના પરિવારમાં તેના માતા પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, બહેન નિધી દહેજમા આવેલા દીપક ફાઉન્ડેશન નામની સંસ્થામાં કાઉન્સીલર તરીકે ફરજ બજાવે છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પિટલને, ફેફસાં અમદાવાદની K.D હોસ્પિટલને, લિવર ઝાયડસ હોસ્પીટલને અને બંને કિડનીઓ અમદાવાદની હોસ્પીટલને ફાળવવામાં આવી. હૃદયનું દાન સુરતની મહાવીર હોસ્પિટલના ડૉ. સંદીપ સિંહા, ડૉ. નીરજ કામત ડૉ. મહેશ વિન્ચુરકર ડૉ. રોહિત શેટ્ટી અને તેની ટીમે, ફેફસાનું દાન અમદાવાદની K.D હોસ્પિટલના ડો. મેનાનદેર, ડૉ. ટીશેકર ઓએસીસ, ડૉ. ભાવિન દેસાઈ, નિખિલ વ્યાસ અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન ઝાયડસ હોસ્પીટલના ડૉ. આનંદ ખખ્ખર, ડૉ. યશ પટેલ, ડૉ. પ્રથાન જોશી, રાજુ ઝાલા અને તેમની ટીમે સ્વીકાર્યું.

જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. એઈમ્સ્ હોસ્પિટલ થી મહાવીર હોસ્પીટલનું 13 કિલોમીટરનું અંતર 15 મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોસંબાના રહેવાસી, ઉ.વ. 22 વર્ષીય યુવકમાં મહાવીર હોસ્પીટલમાં ડૉ. અન્વય મુલે અને ડૉ. જગદીશ માંગે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. એઈમ્સ હોસ્પિટલથી અમદાવાદની K.D હોસ્પિટલ સુધીનું ૨૭૬ કિલોમીટરનું અંતર 100 મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની K.D હોસ્પિટલમાં અમદાવાદની રહેવાસી, ઉ.વ. 40 વર્ષીય મહિલામાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં અમદાવાદના રહેવાસી ઉ.વ. 64 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે.

હૃદય સુરતની મહાવીર હોસ્પિટલ, ફેફસા, લિવર અને કિડની સમયસર અમદાવાદ પહોચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હૃદય, ફેફસા, હાથ, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 93 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. આ પુણ્યકર્મમાં હંમેશા સહકારરૂપ બનવા બદલ સુરત પોલીસનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ.શૈશવ ગીરીશભાઈ પટેલની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારમાં તેમના પિતાશ્રી ગીરીશભાઈ, માતૃશ્રી મનીષાબેન, બહેન નિધીનો તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ. સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ પિસ્તાળીસમી અને ફેફસાના દાન કરાવવાની પંદરમી ઘટના છે.

સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસા દેશના જુદા જુદા શહેરો જેવા કે, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા.

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં શૈશવના પિતા ગીરીશભાઈ, માતા મનીષાબેન, બહેન નિઘી, ફોઈ ભાનુબેન, તારાબેન, શાંતાબેન તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ. મૌલીક પટેલ, ફીઝીશયન ડૉ. રાજેશ રામાણી, કાર્ડિયોલોજીસ્ટ ડો. રીતેશ વેકરીયા, મેડીકલ એડમીનીસ્ટ્રેટર ડૉ. મિલન સોજીત્રા, મેડીકલ ઓફિસર ડૉ. દક્ષા કટારીયા, ઇન્ટેન્સીવિસ્ટ ડૉ. ડેનીસ પટેલ, ન્યુરોસર્જન ડો. હિતેશ ચિત્રોડા, એઈમ્સ્ સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, CEO નીરવ માંડલેવાળા, કરણ પટેલ, મહેન્દ્રસિંહ ગોહિલ, રમેશભાઈ વઘાસીયા, સ્મિત પટેલ, કૃતિક પટેલ, જગદીશભાઈ ડુંગરાણી, સની પટેલ, કિરણ પટેલ, અવોન પટેલ, નિલય પટેલ, અંકિત પટેલ, જય પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહિર પ્રજાપતિ, નિકસન ભટ્ટ, રોહન સોલંકી, ચિરાગ સોલંકીનો સહકાર સાંપડ્યો હતો. જોકે, સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1089 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 454 કિડની, 194 લિવર, 8 પેન્ક્રીઆસ, 45 હૃદય, 30 ફેફસાં, 4 હાથ અને 354 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1000 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Next Story