હિસ્ટ્રીશીટરોની યાદી બનાવવાની કાર્યવાહી વેળા સફળતા
વાપીના છીરી વિસ્તારમાં ડુંગરા પોલીસ દ્વારા રેડ કરાય
2 પિસ્તોલ-14 જીવતા કારતૂસ સાથે 2 શખ્સોની ધરપકડ
આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ શરૂ
પોલીસની કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ
વલસાડ જિલ્લામાં 100 કલાકમાં હિસ્ટ્રીશીટરોની યાદી બનાવવાની કાર્યવાહીમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ઔદ્યોગિક નગરી વાપીની ડુંગરા પોલીસે છીરી વિસ્તારમાંથી 2 પિસ્તોલ અને 14 જીવતા કારતૂસ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે.
વલસાડ જિલ્લામાં 250થી વધુ હિસ્ટ્રીશીટરોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ડુંગરા પોલીસને મળેલી બાતમીના આધારે વાપીના છીરી વિસ્તારમાં એક જગ્યાએ વોચ રાખી હતી. ત્યાંથી પસાર થતાં ફિરોજ અન્સારી નામના વ્યક્તિને રોકી તપાસ કરતા તેની પાસેથી 2 પિસ્તોલ અને 14 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આથી આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીને આ હથિયારો આપનાર બીપીન વૈજનાથ મંડલ નામના અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
બન્ને આરોપીઓની તપાસ કરતા એક આરોપી દરજીકામ કરતો હતો, જ્યારે અન્ય એક આરોપી વાપીની ફાર્મા કંપનીમાં ફીટર તરીકે કામ કરતો હતો. આરોપીઓ હથિયારો ક્યાંથી અને કેવી રીતે લાવ્યા હતા, અને કોને આપવાના હતા..! તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.