વરસાદના પગલે સૌરાષ્ટ્રના દરિયામાં ગંભીર સ્થિતિ
જાફરાબાદની 2 અને રાજપરાની એક બોટ ડૂબી ગઇ
28 માછીમારો પૈકી 17 માછીમારોને બચાવી લેવાયા
અમરેલીના દરિયામાં 11 ખલાસી ગઇકાલથી લાપતા
હાલ નેવી પણ દરિયામાં ન જઇ શકે એવી પરિસ્થિતી
ધોધમાર વરસાદના પગલે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. ગઇકાલે દરિયો તોફાની બનતા અમરેલી જિલ્લાના જાફરાબાદની 2 અને રાજપરાની એક બોટ ડૂબી ગઇ હતી. જેમાં સવાર 28 માછીમારો પૈકી 17ને બચાવી લેવાયા છે. જોકે, હજી 11 માછીમારો લાપતા છે, જેમની શોધખોળ ચાલી રહી છે.
અમરેલીના દરિયામાં 2 બોટ પલટી હોવાના માઠા સમાચાર મળી રહ્યા છે. જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ આ બન્ને બોટએ દરિયામાં જળસમાધી લીધી છે. બન્ને બોટમાં 9-9 જેટલા માછીમારો સવાર હતા. જેમાંથી મોટાભાગના માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે કેટલાકની શોધખોળ ચાલી રહી છે. ધારાસભ્ય હિરા સોલંકી, જિલ્લા કલેક્ટર સહિત તંત્રના અધિકારીઓ અને માછીમાર આગેવાનો લાપતા લોકોની શોધખોળ માટે પ્રયત્ન કરી રહ્યા છે. જોકે, ગઇકાલ કરતા પણ આજે દરિયામાં વધુ કરંટ હોવાથી રેસ્ક્યૂ ઓપરેશન શક્ય નથી. સમગ્ર ઘટનાને લઇને ધારાસભ્ય હિરા સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને માહિતી આપી હતી.
જોકે, હાલમાં દરિયો વધુ તોફાની હોવાથી કોસ્ટગાર્ડ કે નેવી પણ દરિયામાં જઇ શકે એવી પરિસ્થિતિ નથી, જ્યારે હવામાન ખરાબ હોવાથી હેલિકોપ્ટર પણ ઉડી શકે એમ નથી. આ તરફ, માછીમાર આગેવાનો જણાવી રહ્યા છે કે, અમારી 500થી 600 બોટો સુરક્ષિત કિનારે પહોંચી ગઇ છે. જોકે, હજી 60-70 બોટો દરિયામાં ફસાયેલી છે. એક બોટમાં આઠથી નવ લોકો સવાર છે. જેમાં કેટલીક બોટનો સંપર્ક થયો છે. જ્યારે ઘણી બોટનો સંપર્ક થઇ શક્યો નથી. હાલ વરસાદ ચાલુ છે અને દરિયામાં કરંટ છે, એટલે હેલિકોપ્ટર ઉડી નથી શકતા. 2 હેલિકોપ્ટર પોરબંદરથી અને 2 હેલિકોપ્ટર દમણથી સ્ટેન્ડબાય છે. જોકે, વાતાવરણ હળવું થતાં જ હેલિકોપ્ટરને મદદ માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત કોઇ રેસ્ક્યૂની પરિસ્થિતિ ઉભી થાય તે માટે રાજુલા અને જાફરાબાદમાં NDRFની ટુકડીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.