નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારની ઘટના
એકસાથે 3 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા
સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય
દારૂ પીવાથી મોત થયાનો પરિજનોએ કર્યો આક્ષેપ
3 મૃતકોના બ્લડ સેમ્પલ મેળવી FSLમાં મોકલાયા
ખેડા જિલ્લાના નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં એકસાથે 3 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ગત રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં 3 વ્યક્તિઓના મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. માત્ર અડધા કલાકના ગાળામાં 3 વ્યક્તિઓના મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શહેરમાં દોઢ વર્ષ બાદ મોતનું તાંડવ ફરી થયું છે. બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં મૃતકોના બ્લડ સેમ્પલ મેળવી FSL માટે મોકલવામાં આવ્યા હતા. મૃતક 3 વ્યક્તિઓ છે, જેમાં 2 મૃતકોમાં પોઈન્ટ 1 છે, અને એક મૃતકમાં પોઈન્ટ 2 છે. આ સાથે જ બ્લડ રિપોર્ટમાં મિથેનોલ આલ્કોહોલની હાજરી ઝીરો આવી છે. તો બીજી તરફ, ત્રણેય મૃતકના પરિવારજનોએ દારૂ પીવાથી મોત થયાના આક્ષેપો કર્યા છે.
જેથી લઠ્ઠાકાંડની આશંકા છે. જોકે, નજરે જોનારે જણાવ્યુ હતું કે, ત્રણેયએ જીરું સોડા પીતા જ 5 મિનિટમાં ઘાતકી અસર થઈ, અને 3 કલાકમાં જ મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ મોતનું સાચુ કારણ સામે આવશે, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.